સુરતઃ શહેરના ભટાર વિસ્તારમાં આવેલ ખુલ્લા પ્લોટમાં વર્ષો અગાઉ રવિશંકર મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમાની દેખભાળ કરવાની જવાબદારી સૂડાની છે. આજે 25મી ફેબ્રુઆરી એટલે કે રવિશંકર મહારાજની જન્મજયંતિ છે. ત્યારે તેમની આ જન્મજયંતિના દિવસે પ્રતિમાની હાલત દયનીય જોવા મળી રહી છે.
રવિશંકર જયંતિ: ગંદકીના સામ્રાજય વચ્ચે ગુજરાતના પનોતા પુત્રની પ્રતિમા, સુરત તંત્રની નઘરોળતા - ravishankar jayant
દેશના ઘડવૈયાઓ અને મહાનપુરુષોના જન્મ જયંતિની સરકારી કચેરીઓમાં તેમ જ સામાજિક સંસ્થાઓ દ્વારા ઉજવણી કરવામાં આવતી હોય છે. ગુજરાતને એક આગવી ઓળખ અપાવનાર રવિશંકર મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરવામાં સૂરતનું તંત્ર ક્યાંક ચૂક કરી ગયું છે. એટલું જ નહીં, સૂરતમાં સ્થાપિત કરાયેલ રવિશંકર મહારાજની પ્રતિમાની આજનો દિવસે પણ યોગ્ય દરકાર લેવામાં આવી નથી. ગંદકીના સામ્રાજય વચ્ચે પ્રતિમાની ન તો સાફસફાઈ કરવામાં આવી છે ન તો સૂતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ આપવામાં આવી છે.
પ્રતિમા જે સ્તંભ ઉપર ઉભી કરવામાં આવી છે, તે લોખંડની સીડી પણ તૂટેલી હાલતમાં જમીન પર જોવા મળી છે. સામાન્ય રીતે ભારતના મહાન પુરુષોની જન્મ જયંતિ નિમિતે તંત્ર ઉજવણી કરતું હોય છે,ત્યારે આજના દિવસે આ મહાન પુરૂષની પ્રતિમા રઝળતી જોવા મળી રહી છે. પ્રતિમાની કોઈ પણ પ્રકારે સાફસફાઈ તો દૂર, સૂતરની આંટી અથવા હારતોરા પણ કરવામાં આવ્યાં નથી. ગુજરાતને એક નવી ઓળખ અપાવનાર રવિશંકર મહારાજની આજે આવી અવદશા જોવા મળી રહી છે.
પ્રતિમાની આસપાસ દારૂની ખાલી પોટલીઓ સહિત ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પરંતુ તંત્રની નઘરોળે આંખે આ બધું દેખાતું નથી તેમ આ દ્રશ્યો પરથી પુરવાર થઇ રહ્યું છે.