બારડોલી નગરપાલિકા પ્રિમોન્સુન કામગીરી પાછળ લાખો રુપિયાનો ખર્ચો કરે છે. પરંતુ પહેલા જ વરસાદમાં જ પાલિકાની નિષ્ફળતા ખુલ્લી પડી જાય છે. સુરત જિલ્લામાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો તો ઠીક પરંતુ શહેરમાં પણ લોકોની હાલત કફોડી બની છે. વરસાદ વરસતા બારડોલીમાં પાણીનો ભરાવો જોવા મળ્યો છે. બારડોલી મામલતદાર કચેરી નજીક તલાવડી વિસ્તારના ઘરોમાં પાણી ફરી વળ્યા હતાં. સવારથી જ પાણી ભરાવાની શરૂઆત થતાં લોકોએ પાણીનો નિકાલ કરવા જહેમત ઉઠાવવી પડી હતી.
શાસકોનું બદલા'પૂર': વિપક્ષના વર્ચસ્વવાળા વિસ્તારમાં ધ્યાન નહીં આપતા પૂર જેવી સ્થિતી
સુરતઃ જિલ્લામાં બે દિવસથી મેઘરાજાની મહેર છે. બારડોલીમાં પ્રથમ વરસાદમાં તંત્રની પોલ ઉઘાડી પડી છે. મામલતદાર કચેરી સામે તલાવડી વિસ્તારમાં 15થી વધારે ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. જેના કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતાં.આ વિસ્તારમાં વિપક્ષનું વર્ચસ્વ છે. જેથી શાસકપક્ષ દ્વારા સમસ્યાઓનું નિવારણ થતું ન હોવાના આક્ષેપો લાગ્યા છે.
દર વર્ષે આ જ પ્રકારની સમસ્યાનો સામનો સ્થાનિક રહીશો કરે છે. વરસાદ વરસતા 15થી વધારે ઘરોમાં પાણી ફરી વળ્યા હતાં. ઘરનો સામાન પણ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. આ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ ઉદ્ભવી છે. જેથી આ વિસ્તારના લોકોની દશા બગડી હતી. પાણી ભરાવાના કારણે આ પરિવારો રસ્તા ઉપર આવી ગયા હતા. પાલિકામાં વારંવાર રજુઆત છતાં તેમની ફરીયાદ ધ્યાને લેવાતી નથી. જેથી લોકોમાં રોષ ફેલાયો છે. શાળામાં અભ્યાસ કરતાં બાળકોના પુસ્તકો પણ પાણીમાં પલળી ગયા હતાં. આ વિસ્તારમાં વિપક્ષનું વર્ચસ્વ છે. જેથી ભાજપના શાસકો તેમની સમસ્યાને ગંભીરતાથી લેતાં નથી. શાસકો બદલાની ભાવનાથી તેમના વિસ્તારની ઉપેક્ષા રાખી રહ્યા હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ લગાવ્યો છે.