કચ્છ પર સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસર તળે વરસાદી વાતાવરણ જામેલું છે. આજે સવારથી જ કચ્છના માંડવી, મુંન્દ્રા સહિત ભુજમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે. જેને પગલે વિવિધ તળાવ અને ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે. સત્તાવાર આંકડાઓ મુજબ, અંજારમાં 10મીમી ભુજમાં પાંચ મીમી અને માંડવીમાં 17 મીમી વરસાદ નોંધાયો છે. સમગ્ર કચ્છ પર વરસાદી વાતાવરણ જામેલું છે અને મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ રહી છે. સમયાંતરે મેઘરાજા સતત વરસી રહ્યા હોવાથી સર્વત્ર પાણી પાણીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદી સમસ્યાઓ સાથે મેઘરાજાની આ કૃપાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છના વિવિધ ગામો અને શહેરો પર મેઘરાજાની કૃપા અનરાધાર વરસી રહી છે. સમગ્ર સીઝન દરમિયાન કચ્છમાં ભારે વરસાદને પગલે ૧૫ જેટલા મુખ્ય માર્ગો અને 281 જેટલા આંતરિક માર્ગો સંપૂર્ણ રીતે ધોવાઈ ગયા છે. જેને પગલે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
બોટાદમાં ધીમી ધારે વરસાદી માહોલ સર્જાયો છે. જામનગરના જોડિયા અને લાલપુર પથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેથી નદીઓમાં પૂર આવ્યાં છે. જામનગરના ભણગોર-ગોપ પાસે ભારે વરસાદને કારણે યુવતી નદીના પુરમાં તણાઈ હતી. ગ્રામજનોએ ફાયર ટીમને બચાવ કામગીરી માટે બોલાવી છે. નદીમાં ઘોડાપુર આવતા નદી ક્રોસ કરી રહેલી યુવતી તણાઈ હતી. હાલ શોધખોળ ચાલી રહી છે.
જૂનાગઢમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ થતા ભાદરવા માસની શરૂઆતમાં જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘ સવારી આવી ગઈ છે. આ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક વ્યાપી રહી છે. તો બીજી તરફ ધરતીપુત્રો પણ વરસાદથી ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં જૂનાગઢ શહેરમાં છ ઇંચ અને ગિરનાર પર્વતમાં 10 ઇંચ જેટલો વરસાદ પડતા લોકોને પણ હવે હાશકારો થઈ રહ્યો છે. માંગરોળમાં તથા આસપાસના વિસ્તારમાં આજે સવારથી જ વરસાદ પડતાં ચાર ઇંચ વરસાદ નોધાયો છે. માંગરોળના ખોડાદા ગામેથી પસાર થતી નોળી નદી ગાંડીતુર બની છે અને શિવમંદિરમાં પાણી ઘુસ્યું છે.