સુરત: કીમ અને સાયણ રેલવે સ્ટેશન વચ્ચે ઓ.એચ.ઇ વાયર તુટતા સુરત અને વડોદરા વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો હતો. જેના કારણે આ રૂટ પરથી પસાર થતી ટ્રેનોને વિવિધ સ્ટેશનો પર થોભાવવાની નોબત આવી હતી, બીજી તરફ આ અંગેની જાણ થતાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને એન્જીનીયર ટીમ સહિત રેલવે પોલીસનો સ્ટાફ કીમ અને સાયણ ખાતે દોડી આવ્યો હતો.
રેલ વ્યવહાર ખોરવાયો: રેલવે સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ સોમવારના ગઈકાલે (18 ડિસેમ્બર) સાંજે 6 વાગ્યાની આસપાસ કીમથી ડાઉન લાઇન પર પસાર થતી વેરાવળ-બાંદ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ અને સાયણ ખાતે ડાઉનલાઈન પસાર થતી ડબલ ડેકર ટ્રેનના પેંટોગ્રાફ સાથે કોઈ કારણોસર રેલવેનો ઓ.એચ.ઈ વાયર તુટતા બન્ને ટ્રેનો થંભી ગઈ હતી જેના કારણે સુરતથી વડોદરા અને અમદાવાદ જતો રેલ વ્યવહાર ખોરવાયો હતો. આ અંગેની જાણ થતાં રેલવે તંત્ર દોડતું થઈ ગયું હતું અને રેલવેના અધિકારીઓ અને એન્જીનીયરોની ટીમ કીમ અને સાયણ એમ બન્ને સ્ટેશનો પર આવી પહોંચી હતી. બન્ને સ્ટેશનો પર થોભેલી ટ્રેનોના પેસેન્જરોને કલાકોથી હાલાકી ભોગવવાની નોબત આવી હતી. એન્જિનીયરની ટીમ દ્વારા કલાકો સુધી વાયર દુરસ્તીની કામગીરી માટે જહેમત ઉઠાવી હતી અને બન્ને સ્ટેશનો પર મોડે સુધી કામગીરી ચાલી રહી હતી.