સુરત :કતારગામનાં કેમિકલ એન્જીનિયરીંગના આશાસ્પદ વિદ્યાર્થીએ પરીક્ષામાં નાપાસ થતા જીવન ટૂંકાવ્યું છે. પરદેશ જવા માટે માસ્ટર ડિગ્રીની પરીક્ષામાં નાપાસ થતા અબ્રામા તાપી નદીના પુલ ઉપરથી મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી. યુવકે પિતાના ફોન પર મેસેજ કરી જણાવ્યું હતું કે, પપ્પા મને માફ કરી દો. હું પરીક્ષામાં નાપાસ થઇ ગયો છું અને ધંધામાં પણ નાપાસ થઇ ગયો છું. હવે જીવવાની ઇચ્છા નથી. અબ્રામા રેલવે પુલ ઉપરથી પડી જાવ છું. મેસેજ આવતા પરિવારજનોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. મૃતકની લાશ અબ્રામાથી મળી આવી હતી.
આશાસ્પદ યુવક :પોલીસમાંથી પ્રાપ્ત સત્તાવાર માહિતી અનુસાર 49 વર્ષીય સુરેશભાઇ તળસીભાઈ કળથીયા કતારગામના સુમન સાર્થક આવાસ એપાર્ટમેન્ટમાં રહે છે. મૂળ ભાવનગરના ઉમરાળાના વતની હીરા ઘસવાનું મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારમાં બે પુત્રો પૈકી 23 વર્ષીય નાનો પુત્ર ધવલ કળથીયા કોલેજમાં કેમિકલ એન્જિનિયરિંગની માસ્ટર ડિગ્રીની તૈયારી માટે દોઢ વર્ષથી ગજેરા સ્કૂલ પાસે આવેલા ટ્યુશન ક્લાસીસમાં જતો હતો.
છેલ્લા શબ્દો : પરિવારજનો આરામ કરતા હતા. તે વખતે બપોરે ધવલ ટ્યુશન જાવ છું તેમ કહી પોતાની મોટરસાયકલ લઈને ઘરેથી નીકળ્યો હતો. જોકે મોડી સાંજે સુરેશભાઈ નાઈટ શીપમાં હીરા ઘસવા નીકળી ગયા હતા. જે દરમિયાન પરિવારજનોના ફોન ઉપર ધવલનો આત્મહત્યાનો મેસેજ આવ્યો હતો. ધવલના મેસેજમાં જણાવ્યા અનુસાર તેણે પરીક્ષામાં નાપાસ થવાથી આત્મહત્યાનો નિર્ણય કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, પપ્પા મને માફ કરજો. હું પરીક્ષામાં નાપાસ થઈ ગયેલ છું. ધંધામાં પણ નાપાસ થઈ ગયો હોય હવે જીવવાની ઈચ્છા નથી. મેં ઘણી વખત ભૂલ કરી છે. હું અબ્રામા રેલવે પુલ ઉપરથી પડી જાવ છું. મારી બાઇક પુલ પાસે છે.