- બારડોલી તાલુકા પંચાયતની તમામ 22 બેઠક પર ભાજપનો કબજો
- પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મળી બેઠક
- ભાજપે મેન્ડેટથી નામ જાહેર કર્યા
સુરત: સુરત જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ તાલુકા પંચાયતો ભાજપે કબજે કરી હતી. બારડોલી તાલુકા પંચાયતની તમામ 22માંથી 22 બેઠકો પર ભાજપની જીત થઈ હતી. બુધવારના રોજ બારડોલી તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોની પ્રથમ બેઠક બારડોલી તાલીમ ભવનના હોલમાં મળી હતી. બારડોલી એસ.ડી.એમ. અને તાલુકા વિકાસ અધિકારી હાજરીમાં મળેલી આ બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી.
પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી
બારડોલી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અંકિત રાઠોડના નામનું મેન્ડેટ આવતા તેમની દરખાસ્ત કાંતુભાઈ પ્રજાપતિએ મૂકી હતી. અન્ય કોઈ દરખાસ્ત નહીં આવતા અંકિત પટેલની પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. એ જ રીતે ઉપપ્રમુખ તરીકે નીલા પટેલની દરખાસ્ત આશાબેન સોલંકીએ મૂકી હતી. અન્ય કોઈ નામ નહીં આવતા નીલા પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો:તળાજા તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરાઈ
કારોબારી, પક્ષના નેતા અને દંડકના નામની જાહેરાત
આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી દ્વારા કારોબારી અધ્યક્ષ તરીકે પરીક્ષિત દેસાઈ, પક્ષના નેતા તરીકે અજિત પટેલ અને દંડક તરીકે બિપિન ચૌધરીના નામનું મેન્ડેટ જારી કરતા તેમની આગામી સામાન્ય સભામાં વરણી કરવામાં આવશે.
બે સભ્યોની મોડે સુધી રાહ જોયા બાદ મિટિંગ પૂર્ણ કરાઈ
નગરપાલિકાની સામાન્ય સભામાં પ્રાંત અધિકારી દ્વારા અડધો કલાક વહેલી મિટિંગ શરૂ કરવામાં આવી હતી. જેને કારણે વિપક્ષના ચાર સભ્યો મોડા પડયા હતા. એક વાગ્યાની મિટિંગ હતી જેમાં વિપક્ષના સભ્યો જ્યારે પહોંચ્યા ત્યારે મિટિંગ પૂર્ણ થઈ હતી. જેને કારણે તેમની ગેરહાજરી નોંધાઈ હતી. જ્યારે શુક્રવારની તાલુકા પંચાયતની બેઠકમાં 11 વાગ્યાનો સમય હતો અને બેઠક સમયસર શરૂ થઈ ગઈ હતી. પરંતુ શાસક પક્ષના બે સભ્યો વહેલા નહીં પહોંચી શકતા માત્ર તેમની ગેરહાજરી ન નોંધાય તે માટે રાહ જોવામાં આવી હતી. તેમના આવ્યા બાદ જ મિટિંગ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. આમ બે અલગ અલગ જગ્યાએ એક જ ચૂંટણી અધિકારીની મિટિંગ બાબતની નીતિ લોકોમાં ચર્ચાનો વિષય બની હતી.
આ પણ વાંચો:જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરાઈ