- પોલીસે બુધવારે અસરગ્રસ્ત વિસ્તારોમાં ચિકન શોપ બંધ રાખવા સૂચના આપી
- તકેદારીના ભાગરૂપે પશુપાલન વિભાગની ટીમ સતત નજર રાખી રહી છે
- બારડોલીમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ બાદ તંત્ર દ્વારા કડક કાર્યવાહી
સુરત: બારડોલી શહેરમાં તેમજ તાલુકાના મઢી ગામની રેલવે કોલોનીમાં કાગડાઓનું મોત બર્ડ ફ્લૂના કારણે થયું હોવાનું સામે આવતા અહીંના લોકો દહેશતમાં છે. મઢી રેલવે કોલોની અને બારડોલીની મેમણ કબ્રસ્તાનમાં મળી આવેલા કાગડાઓના મોત બર્ડ ફ્લૂથી થયા હોવાની પુષ્ટિ બાદથી તાલુકામાં પશુપાલન વિભાગની ટીમે ધામા નાખ્યાં છે.
બારડોલી તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોમાં પોલ્ટ્રી ફાર્મ અચોક્કસ મુદત માટે બંધ તંત્રએ પોલ્ટ્રી ફાર્મ બંધ કરાવ્યા
બર્ડ ફ્લૂની પુષ્ટિ થતાં સુરત જિલ્લા કલેક્ટર ડૉ.ધવલ પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં અસરગ્રસ્ત વિસ્તારમાં કેટલાક પ્રતિબંધો મૂકી દેવામાં આવ્યા છે. બર્ડ ફ્લૂ વધુ વકરે નહીં તે માટે જાહેરનામાના અનુસંધાને બારડોલી વહીવટી તંત્ર દ્વારા મંગળવારના રોજ તકેદારીના ભાગ રૂપે અસરગ્રસ્ત વિસ્તારથી એક કિમીની ત્રીજ્યામાં આવેલા તમામ પોલ્ટ્રી ફાર્મ બંધ કરી દીધા છે.
બુધવારથી ચિકનશોપ બંધ રાખવા અપાઇ સૂચના
બીજી તરફ બુધવારથી બારડોલી અને મઢીમાં અસરગ્રસ્ત વિસ્તારની આજુબાજુમાં આવેલી ચીકનની દુકાનો બંધ કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ સાથે જ બારડોલીમાં મેમણ કબ્રસ્તાન અને મઢીમાં રેલવે કોલોનીની આજુબાજુની એક કિ.મીની ત્રીજ્યામાં આવતી ચિકન શોપ પર પોલીસકર્મીઓએ રૂબરૂ જઈને દુકાનો અસ્થાયી રૂપે બંધ રાખવા સૂચના આપી હતી.