સુરત: શિવ મંદિરમાં સામાન્ય રીતે દૂધ, પુષ્પ, મધ જેવી ચીજ- વસ્તુઓ ભક્તો દ્વારા ચઢાવવામાં આવે છે. પરંતુ ક્યાંક તમે એવું જોયું છે, કે ભગવાન શિવને જીવતા કરચલા ચઢાવવામાં આવતા હોય! જી હા, સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા રામનાથ-ઘેલા મંદિરમાં દર વર્ષની પોષ એકાદશીએ ભક્તો માન્યતા પ્રમાણે ભગવાનના શિવલિંગ પર જીવિત કરચલા ચઢાવે છે. જેની પાછળનું કારણ કાનનો થતો રોગ છે. શું છે આ મંદિરનું માહાત્મ્ય અને શા માટે ભક્તો અહીં ચઢાવે છે જીવિત કરચલા?
પોષ એકાદશીનો જાહેર મેળો: સુરતના ઉમરા વિસ્તારમાં પોષ એકાદશીનો જાહેર મેળો ભરાયો છે. દર વર્ષની જેમ અહીં પોષ એકાદશીના મેળાનું આયોજન કરવામાં આવે છે. જ્યાં અહીં આવેલ રામનાથ-ઘેલા મંદિરનું ઘણું મહત્વ આંકવામાં આવે છે. રામનાથ-ઘેલા મંદિર જે હજારો વર્ષ જૂનું માનવામાં આવે છે. કહેવાય છે અહીં ભગવાન રામ વનવાસ દરમ્યાન અહીં રોકાયા હતા. જે બાદ તેમણે પોતાના કમાનથી શિવલિંગ ઉત્પન્ન કરી પૂજા-અર્ચના શરૂ કરી હતી. બાદમાં ભગવાન રામને પોતાના પિતાના અવસાનના સમાચાર મળ્યા હતા. જે બાદ ભગવાન રામએ અહીં પિતાની તર્પણવિધિ કરવાનો નિર્ણય કર્યો. તર્પણવિધિ દરમ્યાન બ્રાહ્મણ ન હોવાથી તેમણે સમુદ્રદેવ ને બ્રાહ્મણ તરીકે પ્રગટ થવા વિન્નતી કરી હતી.
શિવલિંગ પર અસંખ્ય જીવિત કરચલા આવી પડ્યા:જ્યાં સમુદ્રદેવ બ્રાહ્મણરૂપે પ્રગટ થયા અને પૂજા કરી. દરમ્યાન સમુદ્રના મોજાના કારણે ભગવાન શિવના શિવલિંગ પર અસંખ્ય જીવિત કરચલા આવી પડ્યા. જે અંગે ભગવાન રામને સમુદ્રદેવે કરચલા જેવા જીવનું ઉધાર કરવા વિન્નતી કરી હતી. ભગવાન આ જોઈ ઘેલા ઘેલા બન્યા. ભગવાન રામે કરચલાને યોગ્ય સન્માન મળે તે ઉદેશથી એક સૂચન કર્યું. તેમણે જણાવ્યું કે આ તપોવણભૂમિ પર રહેલ શિવલિંગ પર કરચલા ચઢાવવાથી કાનની રસી જેવા રોગો દૂર થશે. ત્યારથી માંડી હમણાં સુધી આ મંદિરનું ભારે માહાત્મ્ય આંકવામાં આવે છે. જેને લઈ દર વર્ષની પોષ એકાદશીએ હજારોની સંખ્યામાં ભક્તો અહીં પોતાની માનતા મૂકી દર્શનાર્થે આવે છે.