સુરતઃ ખાસ ઓઝોન સિસ્ટમના કારણે હવે સુરતમાં નીકળતા પ્રદૂષણને અટકાવી શકાય છે. કારણ કે, રિસર્ચ સંસ્થા મંત્રા દ્વારા પોલિસ્ટર ફેબ્રિકના આફ્ટર ક્લિયરિંગ પ્રોસેસમાં હાઈડ્રોની જગ્યાએ ઓઝોનનો ઉપયોગ કરી નવી ટેક્નીક વિકસાવી પેટન્ટ મેળવાઈ છે. મહત્વની વાત એ છે કે, આ પેટન્ટથી પાણીના પ્રદૂષણની માત્રામાં વ્યાપક ઘટાડો થશે.
સુરતમાં ખાસ રિસર્ચથી ઓઝોન સિસ્ટમના કારણે ફેલાતા પ્રદૂષણને અટકાવી શકાશે સુરત શહેર વિશ્વભરમાં ડાયમંડ સિટી સાથે જ ટેક્સટાઇલ હબ તરીકે પણ એટલું જ જાણીતું છે. તેમાં પણ સુરતમાં 80 ટકા પોલિસ્ટર કપડાનું ઉત્પાદન થાય છે. જેની ડિમાન્ડ પણ વિશ્વ સ્તરે છે. જો કે, પોલિસ્ટર પર ડાઈ કરવાની પ્રોસેસ દરમિયાન સલ્ફર નીકળે છે. જે પર્યાવરણ માટે નુકસાનકારક છે. જેથી સુરતની રિસર્ચ સંસ્થા મંત્રા દ્વારા એવી ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે. જેના કારણે પાણીના પ્રદૂષણની માત્રામાં વ્યાપક ઘટાડો નોંધાશે. તેમાં ઓઝોનવાયુનો ઉપયોગ કરાશે. આ સિસ્ટમ પોલિસ્ટર ફેબ્રિકના ડાઈંગ અને પ્રિન્ટિંગ પછી જે રીડક્શનની પ્રક્રિયા થાય છે. તેને અલટરનેટિવ તરીકે શોધાઈ છે. જેમાં રિડક્શનની જગ્યાએ ઓઝોનથી ઓક્સિડેશન કરવામાં આવે છે અને અનફિક્સ ડાઈને કાઢવાની કોશિષ કરી છે.
ઓઝોન જનરેટ કર્યા બાદ તેને મશીનમાં ઈનલાઈન ઇન્જેક્ટ કરવામાં આવશે. જેને કારણે મશીનમાં ઓઝોનનું પાણી ફરશે અને ફિક્સ થયા વગરની ડાઈ નીકળશે. સાથે જ જે બાયપ્રોડક્ટ નીકળશે તે ઈકો ફ્રેન્ડલી હશે. તેને કારણે પર્યાવરણને નુકસાન ઓછું થશે. આ પ્રક્રિયા રૂમ ટેમ્પરેચર પર થતી હોવાને કારણે તેમાં વધારાની ઊર્જાની જરૂર રહેતી નથી. ઉદ્યોગકારોને આ ટેક્નોલોજીથી ચોક્કસ પણે ફાયદો થશે.
સંસ્થાના સિનિયર સાયન્ટિસ્ટ મુંજાલ પરીખે કહ્યું કે, સામાન્ય રીતે પોલિસ્ટર પર જો ડાર્ક ડાઈ હોય તો 5થી 7 ટકા જેટલી ડાઈ રહી જાય છે. જેને કાઢવી જરૂરી છે. સામાન્ય રીતે સોપિંગની પ્રક્રિયાથી આ ડાઈ સહેલાઈથી નીકળતી નથી. તેને કાઢવા માટે હાઈડ્રો અને કોસ્ટિક સોડાનો ઉપયોગ કરાય છે. તેમજ 70થી 80 ડિગ્રી તાપમાન જરૂરી છે. જેનાથી ડાઈ નીકળે છે પરંતુ તેનાથી હાઈડ્રોના સલ્ફર કમ્પાઉન્ડ વધુ માત્રામાં નીકળતા હોવાથી તે પર્યાવરણને નુકસાન કરે છે. સાથે જ કોસ્ટિકને કારણે ટીડીએસ વધે છે. જ્યારે આ રિસર્ચ પ્રમાણે ઓઝોનનો ઉપયોગ કરવાથી પ્રદૂષણની માત્રામાં 80 ટકા ઘટાડો નોંધાશે. આ રીતમાં તાપમાનનો ઉપયોગ ન થતો હોવાથી એનર્જીની પણ બચત થશે.