- સુરતમાં કોલ સેન્ટર પર પોલીસે દરોડા પાડ્યા
- પોલીસે કોલ સેન્ટરના માલિકની ધરપકડ કરી
- ચાર મહિના અગાઉ પણ પાડ્યો હતો દરોડો
સુરત : જહાંગીરપુરા કેનાલ રોડ પર આવેલા નિર્વાણા શોપર્સમાં ચાલતા ઓટો બાઈટ સોલ્યુશન નામના કોલ સેન્ટર પર પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે ત્યાંથી એક મહિલા સહિત 35 લોકોની અટકાયત કરી હતી. ચાર મહિના અગાઉ પીસીબી પોલીસે આ જ કોલ સેન્ટરમાં દરોડો પાડી કોલ સેન્ટરના માલિકની ધરપકડ કરી હતી. જોકે, ચાર મહિના બાદ આ કોલ સેન્ટર ફરી ધમધમતું થઇ ગયું હતું.
ઓટો બાઈટ સોલ્યુશન નામના કોલ સેન્ટર પર પોલીસે દરોડા પાડ્યા
ચાર મહિના અગાઉ આ જ કોલ સેન્ટરમાં પીસીબી પોલીસે પાડી હતી રેડ સુરતના જહાંગીરપુરા કેનાલ રોડ પર આવેલા નિર્વાણા શોપર્સમાં ઓટો બાઈટ સોલ્યુશન નામથી કોલ સેન્ટર ચાલી રહ્યું છે. તેવી બાતમી જહાંગીરપુરા પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે અહી દરોડો પાડ્યો હતો. જ્યાં એક મહિલા સહિત 35 લોકોને પોલીસે અટકાયતમાં લીધા હતા. પોલીસે આ કોલ સેન્ટરમાંથી 2 ટીવી, 9 લેપટોપ, મોબાઈલ, રોકડ રૂપિયા લાખોની મત્તા કબજે કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. ચાર મહિના અગાઉ પીસીબી પોલીસે આ જ કોલ સેન્ટરમાં દરોડો પાડી કોલ સેન્ટરના માલિક ફિરોઝ ઉર્ફે ખાંડા હાજી મેમણની ધરપકડ કરી હતી. જોકે, ચાર મહિના બાદ આ કોલ સેન્ટર ફરી ધમધમતું થઇ ગયું હતું. કોલ સેન્ટરમાંથી મોટી સંખ્યામાં પોલીસ લોકોની અટકાયત કરવાની હોવાને લીધે રાંદેર પોલીસની પણ મદદ મેળવી હતી.
લોકોને ઠગવા માટે રોકાણની બતાવતો હતો સ્કીમો
આ કોલ સેન્ટરમાંથી લોકોને રોકાણની લોભામણી સ્કીમો આપવામાં આવતી હતી. તેઓની પાસેથી રૂપિયા ખંખેરવામાં આવી રહ્યા હતા. ફિરોઝ પોતાની મોડ્સ ઓપરેન્ડી મુજબ ફરી એકવાર લોકોને ઠગવા માટે રોકાણની સારી સારી સ્કીમો બતાવતો હતો. ટિપ્સ આપવાના બહાને અલગ અલગ એકાઉન્ટમાં રૂપિયા જમા કરવાનું કહ્યા બાદ રોકાણકારને અંગુઠો બતાવી દેતો હતો.
મહિલા સહિત 35 લોકોની અટકાયત
જહાંગીરપુરા પોલીસના ધ્યાને આખી ગતિવિધિ આવતા બુધવારે સાંજે નિર્વાણા કોમ્પ્લેક્ષના ચોથા માળે રેડ કરી મહિલા સહિત 35 લોકોની અટકાયત કરી હતી.