આજની યુવાપેઢી નશામાં ગરકાવ થઈ રહી છે. આ સાથે શહેરમાં કેટલાક એવા સ્થળો છે જે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. ત્યારે આવા ઠેકાણાઓ પર અસામાજિક તત્વો દ્વારા નશીલા પદાર્થોનું સેવન કરાતું હોવાની માહિતી સુરત પોલીસને મળી હતી. જે માહિતીના આધારે સુરત પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.
અસામાજિક તત્વો અને નશાના કારોબારને ડામવા સુરત પોલીસ દ્વારા યોજાઈ સ્પેશિયલ ડ્રાઈવ સુરતના ઉમરા, પાલ, અડાજણ, રાંદેર સહિતના વિસ્તારોમાં પોલીસે અલગ-અલગ ટીમો બનાવી સ્પેશ્યલ કોમ્બિગ હાથ ધરી 100થી વધુ લોકોની અટકાયત કરી હતી. શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ એક PI કક્ષાના અધિકારીની સાથે 30 જેટલા પોલીસ જવાનો આ કોમ્બિગમાં જોડાયા હતા. જ્યાં અટકાયત કરાયેલા તમામ લોકોને ઉમરા અને અડાજણ પોલીસ મથકે લઈ આવવામાં આવ્યા હતા.
100થી વધુ નબીરાઓની અટકાયત કરાતા પરિવારજનો પણ મોડી રાત્રે પોલીસ મથકે દોડી આવ્યા હતા અને પોતાના સંતાનને છોડાવવા ભાગદોડ કરી હતી. પોલીસ દ્વારા અટકાયતમાં લેવાયેલા તમામ લોકોની મેડિકલ તપાસ માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન 12 જેટલા દારૂના નશાનો કેસ કરવામાં આવ્યા હતા. જ્યારે 6 લોકો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા.
તો બીજી તરફ 40 જેટલા બાઇક પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આ અંગે ડીસીપી ઝોન 3 વિધિ ચૌધરીએ જણાવ્યું કે, આ શહેર પોલીસની એક સ્પેશ્યલ ડ્રાઈવ છે અને મળેલી ફરિયાદના આધારે પોલીસની અલગ-અલગ ટીમો બનાવી જુદા-જુદા સ્થળોએ છાપો મારવામાં આવ્યો હતો. જ્યાં 100થી વધુ લોકોની અટકાયત કરી મેડિકલ તપાસ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જે કોઈ યુવકે નશો કર્યો હશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે વ્યસનમુકત વ્યક્તિની પૂછપરછ કરવામાં આવશે.