સુરત : 30મી એપ્રિલના રોજ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 100મી 'મન કી બાત' સુરત ખાતે ભવ્ય ઉજવણી સાથે સાંભળવામાં આવશે. સુરત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય સેના દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 10,000થી વધુ લોકો એક સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મનની વાત સાંભળશે. આ કાર્યક્રમમાં નેપાળના હોમ અફેર્સ મિનિસ્ટર પણ હાજર રહેશે કે જેઓ હાલ ભવ્ય રામલલ્લાની મૂર્તિ માટે રામશીલા લઈને ભારત આવ્યા હતા.
શું છે સમગ્ર કાર્યક્રમ : સુરત શહેરમાં 10,000 કરતાં વધુ લોકો એક જ સ્થળેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'મન કી વાત' સાંભળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા ઘણા સમયથી મનકી વાત માધ્યમથી દેશના લોકો સાથે જોડાય છે, અનેક સામાજિક અને સંવેદનશીલ મુદ્દાઓ પર લોકો સાથે ચર્ચા કરતા હોય છે. 100મી 'મન કી વાત' યાદગાર બનાવવા માટે સુરત ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેર પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય સેના દ્વારા બૌદ્ધિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી 100મી 'મન કી બાત'નું આયોજન કરવામાં આવ્યું છે.
ફર્સ્ટ ટાઈમ વોટર્સને સન્માનિત કરાશે :વડાપ્રધાન રેડિયોના માધ્યમથી દેશના લોકોને સાથે 'મન કી બાત' કરતા હોય છે. જ્યારથી તેઓ વડાપ્રધાન બન્યા છે ત્યારથી જ આ કાર્યક્રમના માધ્યમથી દેશના દરેક નાગરિક સાથે તેઓ જોડાય છે. તેઓ દરેક મુદ્દાઓ પર લોકો સાથે વાત કરતા હોય છે. સ્પોર્ટ્સ, અંગદાન પર્યાવરણ સહિતના અનેક મુદ્દાઓ પર તેઓ લોકો સાથે વાત કરતા હોય છે. 'મન કી બાત' ની રાહ લોકો છ દિવસ સુધી જોતા હોય છે. આ લોકપ્રિય કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવવા માટે સુરતમાં આયોજન છે. ત્યારે વર્ષ 2024ની ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરનાર મતદાતાઓનું સન્માન કરવામાં આવશે. જેથી આ લોકોમાં રાષ્ટ્ર નિર્માણની ભાવના પણ દ્રઢ થાય.