- 11 મેના રોજ પકડાયો હતો દારૂ
- રૂપિયા 24.45 લાખના દારૂ સાથે એક ઝડપાયો હતો
- પોલીસે સ્થળ પરથી ટ્રક અને પાંચ કાર કબ્જે લીધી હતી
સુરતઃ ગત 11 મેના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પલસાણા તાલુકાના કડોદરા પોલીસ મથક વિસ્તારમાં આવેલા અંત્રોલી ગામની સીમમાં કાર્ટિંગ થઈ રહેલા 24.45 લાખ રૂપિયાના વિદેશી દારૂ ભરેલી ટ્રક અને પાંચ કાર સાથે એકને ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં કડોદરા પીઆઇ એ.પી.બ્રહ્મભટ્ટને રાજ્ય પોલીસ વડાએ સસપેન્ડ કરતા ભારે ચકચાર મચી ગઇ છે.
અલગ-અલગ વાહનોમાં થઇ રહ્યું હતું કાર્ટીંગ
ગત 11 મેના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સુરત જિલ્લામાં પેટ્રોલીંગમાં હતી. તે સમયે બાતમી મળી હતી કે, સોહન ઉર્ફે સન્ની કિશોર પટેલ, મહારાષ્ટ્રના નવાપુર ખાતે રહેતા વિશ્વાસ ભીમરાવ ગડરી તેમજ તેનો ભાઈ ગોરખ રૂફે પિન્ટુ ભીમરાવ ગડરી પાસેથી ગેરકાયદેસર રીતે મોટા જથ્થામાં દારૂનો જથ્થો ટ્રકમાં ભરી કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અંત્રોલી ગામની સીમમાં દારૂનું કાર્ટિંગ કરી રહ્યો છે અને આ દારૂનો જથ્થો કેયૂર રોહિત ભંડારી, બદરી જાટ ઉર્ફ બદરી મારવાડી, સંજય ઉર્ફે ગપો કાંતિલાલ પટેલ, મનીષ મારવાડીને મોટા પ્રમાણમાં ગેરકાયદે જથ્થો વેચાણ અર્થે પૂરો પાડી દારૂની હેરફેરી જુદા જુદા વાહનોમાં કરવામાં આવી રહી છે.
એક ઝડપાયો બાકીના નાસી છૂટ્યા હતા
આ બાતમીના આધારે પોલીસે કાર્ટિંગ વાળી જગ્યાએ છાપો મારતા દારૂ લેવા માટે આવેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. એક ઇનોવા કારનો ચાલક સ્થળ પરથી કાર લઈને ફરાર થઈ ગયો હતો. તો કેટલાક શખ્સો તેમના વાહનો સ્થળ પર જ મૂકી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી ટ્રક ચાલક સંતોષ રઘુનાથ પિરા પવાર (રહે નવું ફળિયું, વિસરવાડી, જી. નંદુરબાર, મહારાષ્ટ્ર)ને પકડી લીધો હતો. પૂછપરછમાં સંતોષે જણાવ્યુ હતું કે તે છેલ્લા બે મહિનાથી નવાપુરના પિન્ટુ ભીમરાવ ગડરી તથા તેના ભાઈ વિશ્વાસ ભીમરાવ ગડરીના દારૂના ધંધામાં ડ્રાઇવરની નોકરી કરે છે અને તે ગુજરાતમાં દારૂ ભરેલી ટ્રક લઈને આવતો હતો.
પોલીસે રૂપિયા 63.04 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો