સુરતના બારડોલી તાલુકાના છેવાડે આવેલા માણેકપોર ગામમાં ચોમાસાની મોસમ શરૂ થતાંની સાથે જ અવારનવાર ચોરીના બનાવો બન્યા હતા. જેને લઈને ગામના વડીલો અને યુવાનોએ એકત્ર થઈને બેઠક કરી હતી. જેમાં ગામની રક્ષા હવે કઈ રીતે કરી શકાય અને ચોરો સામે કઈ રીતે રક્ષણ મેળવી શકાય તે અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
ગત સપ્તાહે માણેકપોર ગામમાં બુકાનીધારીઓએ એક NRIના બંધ ઘરને નિશાન બનાવ્યું હતું. જોકે ગામના યુવાનો જાગી જઈને પ્રતિકાર કરતા તેઓ ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ મળેલી મિટિંગમાં ગ્રામજનો અને યુવાનોએ રાત્રી ફેરી કરવાનું નક્કી કર્યું હતું. સાથે જ ગામના સૌ યુવાનો રાત થતાં જ લાકડી અને બેટરી લઇને નીકળી પડે છે. ગામના લોકો નિશ્ચિત રહે તે માટે પોતે જ રક્ષક બનીને ફેરી ફરે છે.
માણેકપોરના ગ્રામજનો ચોરો સામે રક્ષણ મેળવવા પોતે જ બન્યા પોતાના રક્ષક માણેકપોર ગામે ચોરીના બનાવોને પગલે એક સમયે ગામમાં ભયનો માહોલ પણ ઉભો થયો હતો. પરંતુ ગામમાં યુવાનોની મોટી સંખ્યા હોવાથી વડીલોએ હિંમત પુરી પાડીને ગામની રક્ષા કરવા રાત્રી ફેરીનો કીમિયો શરૂ કર્યો હતો. જેમાં એક ફેરીમાં 15થી વધુ યુવાનો સામેલ કરીને સાતે સાત દિવસે રાત્રીના 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ફેરી ફરે છે.
છેલ્લા પંદર દિવસમાં મઢી, માણેકપોર અને ઉવા જેવા ગામોમાં ઘરફોડ ચોરીની બુમરાણ ઉઠી હતી. ઉવા ગામે ચોરીના પ્રયાસમાં બે ચોરોને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય અનેક ઘરફોડના બનાવો હજુ પણ પોલીસ ચોપડે નોંધાયેલા છે. જે પોલીસની રાત્રી પેટ્રોલિંગની પણ ચાડી ખાય છે. મઢી પોલીસ ચોકી અંદરમાં સોળ જેટલા ગામો આવે છે. જેના કારણે માણેકપોરના ગ્રામજનો પોલીસના કામમાં સહકાર આપી રહ્યાં છે.