ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં પ્લાઝમા થેરાપી થકી મળ્યું નવજીવન, કોરોનાને માત આપનાર દર્દીએ માન્યો આભાર

દાનવીર કર્ણની ભૂમિ તરીકે ઓળખાતી સૂર્યનગરી સુરતમાં અનેક દાનવીરોના પુણ્યકાર્ય ઈતિહાસમાં સુવર્ણ પૃષ્ઠ લખાયા છે, ત્યારે આ કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે સુરતમાં કોરોનામુક્ત થયેલાં નાગરિકો પોતાના પ્લાઝમાનું દાન કરીને કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે નવું જીવનદાન આપી રહ્યા છે અને એ પણ કોઈ નામના વગર.

પ્લાઝમા થેરાપી
પ્લાઝમા થેરાપી

By

Published : Jul 29, 2020, 7:53 PM IST

સુરત : પ્લાઝમા દાનવીરો જરૂરિયાતમંદ ક્રિટીકલ કોવિડ દર્દીઓ માટે સંજીવની સમાન બની રહ્યા છે, ત્યારે કતાર ગામના કોરોનાગ્રસ્ત વિનોદભાઈ ઝાંઝમેરાને પ્લાઝમા થેરાપીએ જીવતદાન આપ્યું છે. કતાર ગામના ધનમોરા વિસ્તારમાં રહેતા વિનોદભાઈ ઝાંઝમેરાને પાંચ દિવસથી તાવ અને શરીરમાં દુ:ખાવો હતો. જે કારણે તેમને 15 જુલાઈના રોજ નવી સિવિલ હોસ્પિટલમાં તપાસ દરમિયાન કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફરજ પરના તબીબ ડૉ. અશ્વિનભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ સારવાર શરૂ કરવામાં આવી હતી.

વિનોદભાઈની સારવારનો ઘટનાક્રમ

  • 15 જુલાઈ - રેમડેસિવિર ઈન્જેકશન આપવામાં આવ્યું
  • 17 જુલાઈ - 200 મિ.લી ગ્રામ પ્લાઝમાનો પહેલો ડોઝ આપવામાં આવ્યો
  • 19 જુલાઈ - પ્લાઝમાનો બીજો ડોઝ આપવામાં આવ્યો
  • 28 જુલાઈ - ડૉકટરોની નિયમિત વિઝિટ અને સતત મોનિટરીંગને કારણે વિનોદભાઈ કોરોના મુક્ત થયા

કોરોના દર્દીની સ્થિતિ અને જરૂરિયાત મુજબ પહેલા દિવસે જ રેમડેસિવિર ઈન્જેકશન આપવામાં આવ્યું. વિનોદભાઈને દાખલ થયાની શરૂઆતમાં જ શ્વાસની તકલીફ અને લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ પણ ઓછું હોવાથી વિનોદભાઈને ICMRની ગાઈડલાઈન મુજબ 17 જુલાઈના રોજ 200 મિ.લી. ગ્રામ પ્લાઝમાનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન બાદ દર્દીની તબિયત સ્થિર હતી. 24 કલાક બાદ એટલે કે 19 જુલાઈના રોજ પ્લાઝમાનો બીજો ડોઝ આપવામાં આવ્યો. તબીબોના અથાગ પ્રયાસોથી વિનોદભાઈનું પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન સફળ રહ્યું અને સાત દિવસની સારવાર બાદ પ્લાઝમા થેરાપીથી જીવતદાન આપવામાં સફળતા મળી.

સુરતમાં કોરોનામુક્ત થયેલાં નાગરિકો પોતાના પ્લાઝમાનું દાન કરીને કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે નવું જીવનદાન આપી રહ્યા છે

નવી સિવિલના ડો.અશ્વિન વસાવા જણાવ્યું કે, હાલ વિશ્વના ઘણાં દેશો પુરજોશમાં કોરોના વાઇરસની વેક્સિન અને મેડિસીન આવિષ્કારના પ્રયાસો કરી રહ્યાં છે. આ સંજોગોમાં પ્લાઝ્મા ઉપચાર પદ્ધતિ સફળ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓના પ્લાઝમા કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં ખૂબ જ અસરકારક રહ્યા છે. કોરોના સંક્રમણમાંથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થયેલાં લોકોના પ્લાઝમામાં એન્ટિબોડીઝ હોય છે. જે કોરોના વાઇરસ સામે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. કોરોનાથી સ્વસ્થ થયેલાં દર્દીઓ 28 દિવસ બાદ પોતાનું પ્લાઝમા ડોનેટ કરી શકે છે.

પ્લાઝમા થેરાપીથી સ્વસ્થ થયેલાં વિનોદભાઈએ જણાવ્યું કે, કોરોના સામેના જંગમાં નવી સિવિલ અને સ્મિમેર હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફનું યોગદાન ક્યારેય ભૂલાશે નહીં. મને સમયસર સારવાર મળી અને સમયસર ભોજન, ગરમ પાણી, આયુર્વેદિક ઉકાળો આપવામાં આવતો હતો. ડૉકટરોની નિયમિત વિઝિટ અને સતત મોનિટરીંગ થતું રહેતું. આ અજાણ્યા દાતાને લાખ વંદન જેના પ્લાઝમાથી મને નવજીવન મળ્યું છે. જેણે ઉચ્ચ ભાવનાથી પ્રેરાઈને પ્લાઝમા ડોનેટ કર્યું હશે. હું પણ 28 દિવસ બાદ મારૂ પ્લાઝમા ડોનેટ કરી કોરોનાગ્રસ્તોને જીવતદાન આપીશ. હું આજે સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે જઈ રહ્યો છું, જે નવી સિવિલના ડૉક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફની મહેનતને આભારી છે.

ન્યૂરોફિઝિશ્યન ડૉ. પરેશ ઝાંઝમેરાના જણાવ્યા પ્રમાણે ટોસિલિઝુમાબ અને બીજી અન્ય મેડિસિન ઈન્ડીકેટેડ ન હોય તો ન આપવું એ જ હિતાવહ છે. કારણ કે, જરૂર ન હોવા છતા આપવામાં આવતા ઇન્જેક્શન અને દવાઓથી સાઈડ ઇફેક્ટ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં નવી સિવિલ હોસ્પિટલમાં 86 વ્યકિતઓએ પ્લાઝમા ડોનેટ કર્યા છે, જેમાંથી 143 જેટલા વ્યકિતઓને પ્લાઝમા આપવામાં આવ્યા છે. જયારે સ્મિમેર હોસ્પિટલમાં 109 વ્યકિતઓ દ્વારા મળેલા પ્લાઝમાને 183 કોરોના સંક્રમિત દર્દીઓને આપવામાં આવ્યા છે. જે ઘણા અંશે સફળ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details