સ્કૂલ દ્વારા ફી મગાતી હોવાના વિરોધમાં વાલીઓએ કર્યો હોબાળો - education
શારદાયતન સ્કુલમાં ફી અને ઓનલાઈન શિક્ષણને લઈને વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. અંદાજીત 70 થી વધુ વાલીઓ સ્કુલે પહોચ્યા હતા. તેમજ નારેબાજી કરી શાળા સંચાલકો સામે વિરોધ નોંધાવ્યો હતો.
સુરત : પીપલોદ વિસ્તારમાં આવેલી શારદાયતન સ્કૂલ દ્વારા ફી મંગાતી હોવાના વિરોધમાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે. વાલીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શાળા દ્વારા થોડા દિવસો અગાઉ પુસ્તકો આપવામાં આવ્યાં છે. આ પુસ્તકોની સાથે સાથે દરેક વાલીઓને ફી ભરવા અંગે પણ જણાવ્યું છે. તેમજ ત્રણથી ચાર સપ્તાહમાં શાળાની ફી ભરવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત વાલીઓને પ્રથમ સત્રની ફી ભરવા માટે પણ દબાણ કરવામાં આવ્યું છે. જેથી લગભગ 70 જેટલા વાલીઓ સ્કૂલ પર પહોંચી ગયા હતા. જ્યાં સુધી સ્કૂલ શરૂ ન થાય ત્યાં સુધી ફી ન ઉધરાવવા નારેબાજી કરી હતી. આ સાથે જ શાળા દ્વારા શરૂ કરવામાં આવેલા ઓનલાઈન શિક્ષણમાં અનેક પ્રશ્નો ઉભા થતાં હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે.