- 10 વીઘા જમીનમાં 350 મણ કેરીનું ઉત્પાદન મેળવે છે સણવલ્લા ગામનો ખેડૂત
- મહુવા તાલુકાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવીને પ્રકૃતિ તરફ પ્રયાણ
- 18 નાના મોટા ગૌવંશ થકી ગાય આધારિત ખેતી કરી રહ્યા છે
સુરત : જિલ્લાના મહુવા તાલુકાના સણવલ્લા ગામના રહેવાસી અને વ્યવસાયે શિક્ષક એવા ભરત પટેલ કે જેમને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને 10 વીઘા જમીનમાં 350 મણ કેરીનું મબલખ ઉત્પાદન મેળવ્યું છે. પોતાની વાડીમાં રાજાપુરી, કેસર, તોતાપુરી, દાડમ, લંગડો, આમ્રપાલી જેવી વિવિધ પ્રકારની કેરીનું ઉત્પાદન લે છે, અને ગુણવત્તાયુક્ત કેરીની ખેતીમાં ગૌમૂત્ર આધારિત જવારણનો ઉપયોગ કરીને આવકમાં વૃદ્ધિ કરી છે. શિક્ષકની ફરજની સાથે આજે તેમની 'નંદનવન ગીર ગૌ શાળા' ( Nandanvan Gir Gaushala )માં 18 નાના મોટા ગૌવંશ થકી ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. આ ઉપરાંત ખેતી પાકોનું મૂલ્યવર્ધન કરીને પણ વધારાની આવક મેળવી રહ્યાં છે. જેમાં બન્ને યુવાન દીકરાઓ પણ તેમના પિતાને મદદરૂપ થઇ રહ્યા છે.
એક ગાય પાળીને પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી
પ્રાકૃતિક ખેતી અંગેની પ્રેરણા અને અનુભવો અંગે વાત કરતા ભરત જણાવે છે કે, છ વર્ષ પહેલા ભરૂચ ખાતે ગ્રામ વિકાસ શિબિરમાં જવાનું થયું ત્યાં પ્રાકૃતિક ખેતી કરતા અનેક ખેડૂતોના અનુભવો સાંભળીને ખેતી કરવાનો દ્રઢ નિર્ધાર કરીને એક ગાય પાળી અને પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી. ગાય આધારિત ખેતી પદ્ધતિ દ્વારા આંબાના પાકમાં કેરીનું મબલખ ઉત્પાદન કરી શકાય, તે અંગે વાત કરતા તેમને જણાવે છે કે, મે - જૂનમાં કેરીનો ઉતારો આવ્યા બાદ આંબાના ઝાડની ઉંચાઈ પ્રમાણે છાંયડાના એક મીટર અંદરના ઘેરાવામાં ગૌમુત્ર, ગોબર, છાશ અને ઘનજીવામૃત નાંખવાથી ચોમાસા દરમિયાન કિટકો થડમાં આવે, ત્યારે રોગ નિયંત્રણનું ઉત્તમ કામ કરે છે.
મધમાખી, પતંગીયા જેવા મિત્ર કિટકો આકર્ષાય છે
ગૌમુત્ર તથા ખાટી છાશમાંથી બનાવવામાં આવતા જવારણ નામના પ્રાકૃતિક કીટનાશક વિશે વિગતો આપતા ભરત કહે છે કે, એક ડ્રમમાં વિવિધ ફળોનો રસ લઈને તેમાં ગૌમુત્ર તેમજ છાશ ભેળવીને આઠ મહિના સુધી રાખવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલા જવારણનો આંબામાં જ્યારે મોર બેસે, ત્યારે છંટકાવ કરવામાં આવે છે, જેથી મધમાખી, પતંગીયા જેવા મિત્ર કિટકો આકર્ષાય છે. જેથી ફલાવરિંગનું કામ સરળ થાય છે. જૈવિક રીતે નિયંત્રણ કેવી રીતે થાય તે અંગે દર રવિવારે શિબિર યોજીને માર્ગદર્શન આપું છું. કેરીના વેચાણ અંગે તેમને જણાવે છે કે, અમારી વાડીએથી જ ગ્રાહકોને કેરીઓનું સીધું વેચાણ કરીએ છીએ. કોઈ પણ પ્રકારના ઝેરી પેસ્ટિસાઈઝનો ઉપયોગ કર્યા વગર ગાય આધારિત ખેતી થકી જ જમીનમાં પાકો લઉ છું.