સુરતઃ સુરતના પાંડેસરા વિસ્તારમાં રાત્રી કરફ્યૂ દરમ્યાન પરપ્રાંતીય યુવકને ચોર સમજી અનેક લોકો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યા હતો. મોબલિંંચિંગની આ ઘટનામાં પરપ્રાંતીય શ્રમજીવીની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે તેની સાથે તેનો મિત્ર ગંભીર રૂપથી ઘાયલ થયા બાદ તેને સારવાર અર્થે દાખલ કરાયો છે. જોકે આ સમગ્ર ઘટનામાં પોલીસે માત્ર બે જૂથો વચ્ચે મારામારી અને હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
સુરતમાં કરફ્યૂ દરમિયાન બિહારના શ્રમિક સાથે મોબ્લિન્ચિંગ બિહારના 30 વર્ષીય સંગમ પંડીત પોતાના મિત્ર સુજીત સાથે સુરતના ભેસ્તાન વિસ્તારમાં પોતાના મિત્રના ઘરે મળવા ગયો હતો. ત્યાંથી પરત આવતી વેળાએ તેઓ પાંડેસરાના ભૈરવ નગર પાસે રોંગ ટન લઈ બાઇક પરથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન પાંચથી વધુ લોકોએ તેમને ચોર સમજી ઢોર માર માર્યો હતો.
આ ઘટનામાં બંને જણાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સુરતમાં કર્ફ્યૂ દરમિયાન બનેલી આ મોબ્લિન્ચિંગની આ ઘટનામાં સારવાર દરમિયાન સંગમ પંડિતનું મોત નિપજ્યું છે. સંગમ સુરતના પાંડેસરા વિસ્તારમાં ટેક્સ્ટાઇલ યુનિટમાં કામ કરતો હતો અને મૂળ બિહારના રહેવાસી હતો.
એક બાજુ મૃતકના મિત્ર જણાવે છે કે તેમને ચોર સમજી ઢોર માર મારવામાં આવ્યા છે. હાલ તે પણ સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં છે ત્યારે પોલીસે ફરિયાદમાં જૂની અદાવતમાં મોપેડ પર જઇ રહેલા બે યુવકોને ટોળાંએ ઘેરી હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધી છે. હુમલાખોરોમાં સ્થાનિક કોર્પોરેટર શામેલ હોવાના આક્ષેપ પણ કરાયો છે. ઇજાગ્રસ્ત યુવકે સ્થાનિક કોર્પોરેટર સતીશ પટેલ, ધમા, અને મેહુલ નામના શખ્સો સામે આક્ષેપ કર્યા છે. જૂની અદાવતમાં હુમલો કર્યો હોવાની હકીકત પોલીસ જણાવી રહી છે. કોર્પોરેટરના માણસો દ્વારા વાહન પણ સળગાવવામાં આવ્યું હોવાના આરોપ કરાયા છે. ઇજાગ્રસ્ત યુવક હાલ હોસ્પિટલ સારવાર હેઠળ છે. હાલ પાંડેસરા પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.