ગુજરાત

gujarat

ETV Bharat / state

Contempt of Court : સુરત પોલીસથી ખફા થઈ સુપ્રીમ કોર્ટે કહ્યું,"બિસ્તરા લઈને આવજો સીધા જેલ મોકલીશું" - સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટેના જામીન આદેશનો તિરસ્કાર કરતા સુરતની વેસુ પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટે સુરત પોલીસ પ્રત્યે આકરું વલણ અપનાવતા કોર્ટેમાં હાજર રહેવા નોટિસ પાઠવી છે. જાણો સમગ્ર મામલો

Contempt of Court
Contempt of Court

By ETV Bharat Gujarati Team

Published : Jan 12, 2024, 12:03 PM IST

સુરત : સુપ્રીમ કોર્ટે સુરત પોલીસ સામે અદાલતના તિરસ્કાર મામલે આકરું વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે ઠગાઈના ગુનામાં આરોપીને આગોતરા જામીન આપ્યા હતા. છતાં સુરતની વેસુ પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ મામલે આરોપીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા સુપ્રીમ કોર્ટે સુરત પોલીસ કમિશનર, ઝોન 4 ના DCP અને વેસુ પોલીસ મથકના PI ને નોટિસ ફટકારીને 29 જાન્યુઆરીના રોજ કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે.

શું હતો મામલો ?આ કેસની વિગતવાર માહિતી આપતા એડવોકેટ દિપેશ દલાલે જણાવ્યું હતું કે, સીટીલાઈટ ખાતે રહેતા અને રિયલ એસ્ટેટના ધંધા સાથે સંકળાયેલા અભિષેક વિનોદકુમાર ગૌસ્વામીએ વેસુ પોલીસ સ્ટેશનમાં 7 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ અભિષેક ગોસ્વામી અને ઠાકોરજી બિલ્ડરના પ્રોપ્રાઈટર અખિલ રામાનુજ ભટ્ટ પાસેથી બે કરોડથી વધુની રકમ મેળવી 15 જેટલી દુકાનોના દસ્તાવેજ નહીં કરી છેતરપિંડી કરી હતી. વેસુ પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી હતી.

આરોપીની જામીન અરજી :આ ગુનામાં સંડોવાયેલા આરોપી તુષાર રજનીકાંત શાહે એડવોકેટ દિપેશ દલાલ મારફતે સુરત સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. આગળ જતા તુષાર શાહે ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. ગુજરાત હાઇકોર્ટે પોલીસને યોગ્ય લાગે તો આરોપીની અટક કરી શકે તેવા નિર્દેશ સાથે અંશતઃ આગોતરા જામીન મંજૂર કર્યા હતા. જોકે તુષાર શાહે બાદમાં સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પીટીશન અરજી કરી હતી.

સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન :સુપ્રીમ કોર્ટે 8 ડિસેમ્બર 2023 ના રોજ આરોપી તુષાર શાહની જામીન અરજી મંજૂર કરી આગોતરા જામીન આપ્યા હતા. સુપ્રિમ કોર્ટના હુકમ મુજબ આરોપી વેસુ પોલીસ સ્ટેશનમાં હાજર થયો અને વેસુ પોલીસ સ્ટેશનમાંથી સુપ્રિમ કોર્ટના હુકમ મુજબ બેલ બોન્ડ તથા સ્યોરીટી મુજબ જામીન ઉપર મુક્ત કર્યો હતો.

સુરત પોલીસની આડોળાઇ :જોકે 12 ડિસેમ્બર 2023 ના રોજ તપાસ કરનાર PI આર. વાય. રાવલે આરોપી તુષાર શાહને પોલીસ સ્ટેશને બોલાવી આખો દિવસ કસ્ટડીમાં રાખી બીજા દિવસે કોર્ટમાં રજુ કરી 7 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. આરોપી તુષાર શાહે એડવોકેટ દિપેશ દલાલ મારફતે પોલીસે રિમાન્ડ કસ્ટડી દરમિયાન માર માર્યો હોવાની ફરિયાદ સાથે PI રાવલ, ઝોન 4 DCP વિજય ગુર્જર, ડી સ્ટાફના શાદુર્લ મેર વિરુદ્ધ લીગલ ઈન્કવાયરીની દાદ માગી હતી. કોર્ટે લીગલ ઈન્કવાયરીની દાદ ટકવાપાત્ર નથી તેમ જણાવી અરજી રદ કરી હતી.

અદાલતનો તિરસ્કાર: ત્યારબાદ એડવોકેટ દિપેશ દલાલ મારફતે તુષાર શાહે મેજિસ્ટ્રેટ કોર્ટમાં જામીન અરજી કરી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટે શરતોને આધીન જામીન મંજૂર કર્યા હતા. ત્યારબાદ આરોપી તુષાર શાહે સિનિયર એડવોકેટ ઇક્બાલ સૈયદ મારફતે વેસુ પોલીસ PI આર. વાય. રાવલ, DCP વિજય ગુર્જર સહિતના વિરુદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ નોટિસ કરી દલીલ કરી હતી કે, સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન અરજીમાં વચગાળાના જામીન આપ્યા છતાં સુપ્રિમ કોર્ટના હુકમનો અનાદર કરી પોલીસે રિમાન્ડની માગણી કરી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટે પણ રિમાન્ડ મંજૂર કર્યા હતા.

સુપ્રીમ કોર્ટનું આકરું વલણ :આ ઉપરાંત પોલીસે કસ્ટડી દરમિયાન આરોપીને માર માર્યો હતો તે સમયના સીસીટીવી ફુટેજ પણ આપ્યા ન હતા. સુપ્રીમ કોર્ટે આ મામલે આરોપીની દલીલો ધ્યાને લઈ સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર, DCP વિજય ગુર્જર અને વેસુ પોલીસ PI રાવલને નોટિસ પાઠવી 29 જાન્યુઆરીએ કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે.

સુરત પોલીસ પર ટિપ્પણી : સુપ્રીમ કોર્ટે આકરું વલણ દાખવતા કહ્યું કે, કોર્ટનો તિરસ્કાર કરવામાં આવ્યો છે તે બદલ તમે બિસ્તરા-પોટલા લઈને આવજો, કારણ કે સીધા જેલ જવું પડી શકે છે. વેપારી દ્વારા કરવામાં આવેલ ફરિયાદથી સુપ્રીમ કોર્ટે પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓ સામે વિરુદ્ધ સખત ટિપ્પણી કરી છે. ઉપરાંત શહેરના પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, તમને તમામ સવાલોના જવાબ આપવો જ પડશે.

  1. Nawab Malik News: સુપ્રીમ કોર્ટે નવાબ મલિકના વચગાળાની જામીનની મુદતમાં 6 મહિનાનો વધારો કર્યો
  2. lok sabha elections : " લોકસભા ચૂંટણી ' નિષ્કલંક ' રીતે હાથ ધરવી જોઈએ " ઈસી દ્વારા આ આગ્રહ શા માટે...

ABOUT THE AUTHOR

...view details