સુરત: દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સુરતના મજુરા વિસ્તાર ખાતે આવેલી નવી સિવિલ હોસ્પિટલ છે. અહીં માત્ર દક્ષિણ ગુજરાતના જ નહીં પરંતુ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ યુપી બિહારથી લોકો સારવાર માટે આવતા હોય છે. બીજી બાજુ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં હાર્ટ અટેકના બનાવો પણ વધ્યા છે જેમાં અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. આવી ઘટનાઓથી સુરત પણ બકાત નથી. સુરત શહેરમાં પણ હાર્ટ એટેકના બનાવો વધ્યા છે . બીજી બાજુ લાઈફ સ્ટાઇલ અને ખાણીપીણી સહિત સ્ટ્રેસના કારણે હૃદય રોગ પણ વધી રહ્યો છે. જોકે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈ શકતા નથી ,આથી તેઓ નવી સિવિલ હોસ્પિટલમાં પોતાનાં હૃદય રોગ સંબંધિત ફરિયાદ લઈને આવે છે ,પરંતુ અગત્યની વાત છે કે અહીં હૃદય રોગના સારવાર માટે કોઈ અલાયદી વ્યવસ્થા નથી.
Surat News: કેવી પીડા? કાળજા થંભી જવાના કેસ વધ્યા પણ હોસ્પિટલમાં કોઈ કાર્ડિયોલોજિસ્ટ નથી - Surat
સુરત સહિત ગુજરાતભરમાં હાર્ટ અટેક ના કિસ્સાઓ છેલ્લા કેટલાક મહિનાથી વધારે જોવા મળી રહ્યા છે. બીજી બાજુ હૃદય રોગ સંબંધીત દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. સુરત શહેરની વાત કરવામાં આવે તો સરકારી નવી સિવિલ હોસ્પિટલમાં રોજે 80 થી 100 જેટલા દર્દીઓ હૃદય રોગ સંબંધિત ફરિયાદ લઈને આવતા હોય છે. જોકે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એક પણ કાર્ડિયોલોજિસ્ટ કાયમી નથી. આ દર્દીઓ માટે ખાસ ઓપીડી પણ નથી, તેમને મેડિકલ વિભાગમાં સારવાર આપવામાં આવતી હોય છે ,એટલું જ નહીં જો એનજીયોગ્રાફી અને સ્ટેન્ડ મૂકવાની જરૂર પડે તો પણ આ તમામ પ્રકારની સર્જરી અને સુવિધા નવી સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી.
"હૃદય રોગ સંબંધિત જે પણ દર્દીઓ આવે છે તેમને મેડિસિન વિભાગમાં સારવાર આપવામાં આવતી હોય છે. ત્રણ કાર્ડિયોલોજિસ્ટ બહારથી આવે છે અને મેડિસિન વિભાગમાં તેઓ દર્દીઓને ઓપિનિયન પણ આપે છે. જો કોઈ દર્દીને એનજીઓગ્રાફી અને સ્ટેન્ડ નાખવાની જરૂરિયાત હોય તો તેમને બહાર રીફર કરવામાં આવે છે અથવા તો અમદાવાદ ખાતે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં મોકલવામાં આવતા હોય છે. ટૂંક સમયમાં મારા કિડની બિલ્ડિંગ માં કેટલેબ શરૂ કરવામાં આવશે" -- ગણેશ ગોવરેકર ( સુપરિટેન્ડેન્ટ - સિવિલ હોસ્પિટલ)
હોસ્પિટલમાં ખસેડવામાં આવે: પ્રાઇવેટ હોસ્પિટલના ત્રણ કાર્ડિયોલોજિસ્ટ નવી સિવિલ હોસ્પિટલમાં આવે છે. નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજે 80 થી 100 જેટલા દર્દીઓ માત્ર હૃદય રોગની ફરિયાદ લઈને આવે છે, તે છતાંપણ એક પણ કાર્ડિયોલોજિસ્ટ કાયમી ન હોવાના કારણે તેઓ મેડિસિન વિભાગમાં સારવાર મેળવે છે બીજી બાજુ પ્રાઇવેટ હોસ્પિટલના ત્રણ કાર્ડિયોલોજિસ્ટ નવી સિવિલ હોસ્પિટલમાં આવા દર્દીઓને સારવાર આપી સેવા આપી રહ્યા છે. પરંતુ નવી સિવિલ હોસ્પિટલમાં જો કોઈ દર્દીને સર્જરી અથવા તો સ્ટેન્ડ મૂકવાની ફરજ પડે તો તેની વ્યવસ્થા નથી. આ દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં મોકલવામાં આવતા હોય છે જે દર્દીઓ પાસે મા કાર્ડ અથવા તો આયુષ્માન કાર્ડ છે તેમને પ્રાઇવેટ હોસ્પિટલમાં મોકલવામાં આવતા હોય છે અને જેમની પાસે આ કાર્ડ નથી ,તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે.