700 કરોડ રૂપિયાની સહાયમાં ફક્ત કમોસમી વરસાદથી થયેલ નુકશાન અંગે રાજ્ય સરકારની જાહેરાત છે, ત્યારે ખેડૂતો 'કોથળામાંથી બિલાડું કાઢ્યું' કહેવત ઉચ્ચારી રહ્યા છે. કમોસમી વરસાદના કારણે રાજ્યભરના ખેડૂતોના પાકને સીધી અસર થઇ હતી. જેના વળતરને લઈ આજે નીતિન પટેલે જાહેરાત કરી છે. પરંતુ, દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં આ જાહેરાતથી નિરાશા જોવા મળી રહી છે.
રાજ્ય સરકારની જાહેરાતથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં નિરાશા
સુરતઃ રાજ્યભરમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. ખેડૂતોએ રાજ્ય સરકારને મદદ માટે ગુહાર લગાવી હતી. જેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે આજે ખેડૂતોને સહાય કરવાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે 2 લાખથી વધુ ખેડૂતોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. જે પ્રત્યે દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ નિરાશા વ્યક્ત કરી છે.
ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. સરકાર દ્વારા સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આજે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવાની જાહેરાત કરી છે. પરંતુ, 700 કરોડની આ જાહેરાતથી ખેડૂતો નાખુશ જોવા મળી રહ્યાં છે.
દક્ષિણ ગુજરાતના ખેડૂતો જાહેરાત પ્રત્યે નિરાશા વ્યક્ત કરતાં જણાવી રહ્યા છે કે, "અત્યાર સુધી સરકાર દ્વારા સર્વેની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી નથી. જે વળતર આપવાની વાત કરવામાં આવી રહી છે. તે માત્ર લોલીપોપ સમાન છે. પૂરતાં વળતરની અપેક્ષા રાખતાં ખેડૂતોને તે પ્રમાણેનું વળતર ન મળતાં ખેડૂતોની હાલત વધુ દયનીય થવાની સંભવના વ્યક્ત કરી છે. "
સરકારે જણાવ્યું છે કે, 5 લાખ હેકટરની સર્વેની કામગીરી પૂર્ણ કરી છે. SDRFના નિયમ પ્રમાણે સહાય આપવામાં આવશે. પિયત જમીનમાં એક હેકટરે રૂપિયા 13,500, બિન પિયત જમીનમાં રૂપિયા 6000 સહાય આપવામાં આવશે. કુલ 700 કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. જેમાં 2 લાખથી વધુ ખેડૂતોને સહાય ચુકવવામાં આવશે. પાક વીમા યોજનાથી અલગ-અલગ સહાય આપવામાં આવશે.