માંગરોળઃ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ.દ્વારા નવી વીજ લાઈન બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સુરત જિલ્લાના 100થી વધુ ગામોમાં નવી હાઈટેન્શન વીજ લાઈન પસાર થવાની જાહેરાત છે. આ વીજ લાઈનનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધ સંદર્ભે આજે સુરત જિલ્લાના ખેડૂતો એકત્ર થયા અને એક બેઠક યોજી હતી. આ બેઠક માંગરોળના કઠવાડા ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો.
7 જિલ્લામાં વીજલાઈનઃ અમદાવાદથી દક્ષિણ ગુજરાતના નવસારી સુધી નવી હાઈ ટેન્શન વીજલાઈન નાખવા માટે જાહેરનામુ બહાર પડાયું છે. ગુજરાતના 7 જિલ્લામાંથી આ વીજલાઈન પસાર થશે. જેમાં સુરત જિલ્લાના માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને પલસાણા તાલુકાના 100થી વધુ ગામોમાંથી આ વીજ લાઈન પસાર થશે. સુરત જિલ્લાના ખેડૂતો આ વીજલાઈનનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા માંગરોળના કઠવાડા ખાતે ખેડૂતો એકત્ર થયા હતા.
જમીનની કિંમત પર અસરઃ ખેડૂતોની મહામૂલી જમીનમાં વીજલાઈન માટેના ટાવર ઊભા થવાથી આ જમીનની બજાર કિંમત અડધી જવાનો ભય સેવાઈ રહ્યો છે. ખેડૂતોના વિરોધને ગુજરાત રાજ્ય ખેડૂત સમાજ સપોર્ટ કરી રહ્યું છે. ખેડૂત સમાજના આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વિરોધ કેવી રીતે કરવો, કયા કાર્યક્રમો હાથ ધરવા તેની આ બેઠકમાં ચર્ચા થઈ હતી.