નવસારીઃ શહેરમાં 12 માર્ચની રાત્રિએ લુન્સીકુઈ નજીકનાં સૃષ્ટી એપાર્ટમેન્ટ, છાપરા રોડ પર આવેલા દેવ કોમ્પ્લેક્ષ અને બ્રાહ્મણ પાંચની વાડીના શોપિંગ સેન્ટર મળીને કુલ 24 દુકાનોમાં ચોરી થતાં શહેર પોલીસની ઉંઘ ઉડી હતી. જેથી સબ સલામતના દાવો કરનારા જિલ્લા પોલીસના અધિકારીઓ પણ એક સાથે થયેલી ચોરીઓને પગલે હરકતમાં આવ્યા હતા. જો કે, ચોરોની કરતૂત CCTV કેમેરાઓમાં કેદ થતાં પોલીસે આસપાસના પોલીસ મથકો સહીત ઈલેક્ટ્રોનિક સર્વેલન્સની મદદથી આરોપીઓનું પગેરૂ શોધી કાઢવાની કવાયત હાથ ધરી હતી.
સમગ્ર મામલે નવસારી ટાઉન પોલીસ સહીત નવસારી LCB પોલીસ પણ તપાસમાં જોતરાઈ હતી. જેમાં નવસારી LCB પોલીસને બાતમી મળી હતી કે, સુરતથી એક ઓટો રીક્ષામાં 2 ઇસમો દુકાનોમાં ચોરી કરવાના ઈરાદે રેકી કરવા નવસારી નીકળ્યા છે. જે નવસારીના વિરાવળ જકાતનાકા નજીકથી રીંગ રોડ થઇ નવસારી રેલવે સ્ટેશન જવાના છે. જેના આધારે પોલીસે રીંગ રોડ પરથી બાતમીવાળી ઓટો રીક્ષાને અટકાવી સુરતના સીમાડા નાકા નજીક પડાવમાં રહેનારા લાલા ભીલ અને સુરતના કામરેજ તાલુકાના વાવ ગામે રહેનારા મુકેશ ઓગાણીયાની ધરપકડ કરી હતી. બન્ને આરોપીઓની સખત પૂછપરછ કરતાં દુકાનોમાં ચોરી કરી હોવાની કબૂલાત બન્નેએ કરી હતી.