સુરત: "સંગીત ના કોઈ સીમાડા નથી હોતા"... આ વર્ષે સપ્ટેમ્બર માસમાં ઓસ્ટ્રેલિયા ખાતે પ્રિ-નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિમાં નવ દિવસ સુધી આમ તો માં દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવતી હોય છે. આ વર્ષે નવરાત્રીના પર્વ દરમિયાન મા સરસ્વતીનું સ્વરૂપ પણ લોકોને જોવા અને માણવા મળશે. બોલીવુડના ઘણાં ગીતોને સિતારવાદન દ્વારા પ્રસ્તુત કરવા માટે ભારતભરમાં જાણીતા સુરતના ભગીરથ ભટ્ટ ઓસ્ટ્રેલિયામાં સિતારના સુરોમાં ગરબા પ્રસ્તુત કરીને લોકોને ગરબા રમવા વિવશ કરી દેશે. મોટેભાગે ડીજે અને ભારે મ્યુઝિક વચ્ચે ગરબા રમાતા હોય છે પરંતુ વિદેશમાં આ વર્ષે પ્રથમવાર એવું બનશે કે લોકો સિતારના સોફ્ટ સુરોની ધૂન ઉપર ગરબા રમશે અને આ માટે ભગીરથ ભટ્ટ છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતની ધરોહર સમા ગરબાને ભારતીય શાસ્ત્રીય સંગીતની ધરોહર સિતાર સાથે મેળવીને અનોખો પ્રયોગ કરી રહ્યા છે. ભારતની બહાર વિદેશની ધરતી ઉપર લોકોને આ પ્રયોગ ખૂબ જ પસંદ પડી રહ્યો છે. ભગીરથ ભટ્ટ માની રહ્યા છે કે પાશ્ચાત્ય સંસ્કૃતિ જે પસંદ કરે એ પછીથી ભારતમાં ટ્રેન્ડ બને છે.
"છેલ્લા 22 વર્ષથી હું સિતારની સાધના કરી રહ્યો છું. સપ્ટેમ્બર માસના અંતમાં હું ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો છું. ઓસ્ટ્રેલિયામાં લોકો સિતારવાદનને એક અલગ જ સ્થાન આપી રહ્યા છે. આ સિંતાર તો છે જ પરંતુ આપણાં જૂના ગરબા અને ફોક્ મ્યુઝિકને સિતાર સાથે મેળવવાનું કાર્ય ઓસ્ટ્રેલિયામાં આયોજકો કરી રહ્યા છે. જેને ઓસ્ટ્રેલિયાના લોકો દ્વારા સરાહના મળી રહી છે. નવ દિવસ સુધી અમે મા ના અલગ અલગ રૂપની આરાધના કરતા હોઈએ છીએ. ત્યારે મા સરસ્વતીના વાદ્ય યંત્ર સાથેના ગરબાનું આ મિશ્રણ થાય ત્યારે લોકોને ખૂબ જ પસંદ પડે છે."-- ભગીરથ ભટ્ટ (સિતાર સાધક)
ભારતીય કલાસિકલ મ્યુઝિક: ભગીરથ ભટ્ટે જણાવ્યું હતું કે, ગરબા એ ગુજરાતનું ઘરેણું છે. સિતારવાદન ભારતીય કલાસિકલ મ્યુઝિકમાં જ જોવા મળે છે પરંતુ મેં વિચાર્યું કે સિતાર પર અમે ગુજરાતી ફૉક મ્યુઝિક શા માટે ન વગાડી શકાય? આ વિચાર સાથે છેલ્લા ત્રણ-ચાર વર્ષોથી પ્રયાસ ચાલુ કર્યા અને તેને લોકો દ્વારા સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. સિતારવાદન હજી સુધી આટલી હદે લાઈમ-લાઈટમાં નથી. તેની પાછળ બે થી ત્રણ કારણો જવાબદાર છે. જેમાં એક તો સિતારવાદકો ખૂબ ઓછા છે. બીજું, હજી સુધી લોકો સુધી પહોંચી શક્યા નથી અથવા તો એમ પણ કહી શકાય કે લોકો પાશ્ચાત્ય સંગીત અને સંસ્કૃતિથી વધારે પ્રભાવિત છે. અત્યારે આ કલાને વિદેશના લોકો વખાણી રહ્યા છે એટલે એ ફેશન ત્યાંથી પરત આવે પછી ભારતમાં ટ્રેન્ડ બની શકે છે. સિતાર એ એક મુશ્કેલ તાર વાદ્ય છે પણ આ એની તરફ એક દ્રષ્ટિકોણની વાત છે કે તમે આ વાદ્યને કઈ દ્રષ્ટિથી લો છો. કદાચ કોઈએ વિચાર્યું નહીં હોય કે ગુજરાતી ફોક ગીતોને પણ સિતાર ઉપર વગાડી શકાય. આ જ દ્રષ્ટિકોણ બદલું છું અને સિતાર ઉપર ગુજરાતી પરંપરાગત ગીતો વગાડું છું.