સુરતમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. પિતરાઈ બહેન સાથે વાત કરતો હોવાની શંકા રાખી પિતરાઈ બહેનના ભાઈએ ચપ્પુના ઘા ઝીંકી યુવાનની હત્યા કરી દીધી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે, મજૂરા ગેટ નજીક આવેલા કૈલાશ નગરમાં 17 વર્ષીય જૈમિશ કિશોર પટેલ પરિવાર સાથે રહેતો હતો. મંગળવારે રાત્રે 12 વાગ્યાના અરસામાં જિગ્નેશ અને તેના ત્રણથી ચાર સાથી મિત્રો ઘર નજીક આવ્યા હતા અને જૈમિશને ફોન કરી નીચે બોલાવ્યો હતો. જૈમિશ નીચે આવતાની સાથે જ માથા, પીઠ અને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પરિવારજનો થતા જૈમિશને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
હોસ્પિટલમાં જૈમિશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી જિગ્નેશને ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા અન્ય સાથીદારો અને હત્યાના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પિતરાઈ બહેન સાથે વાતચીતને લઈને ચાલતા ઝઘડામાં જૈમિનની હત્યા કરવામાં આવી હોવાની શક્યતાઓ છે. એક વર્ષ અગાઉ જૈમિશ જિગ્નેશની પિતરાઈ બહેન સાથે વાત કરતો હોવાને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ઉમરા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવાઈ હતી. તે સમયે જૈમિશ અને જિગ્નેશ વચ્ચે સમાધાન થયું હતું અને જૈમિશે વાત ન કરવાનું જણાવતા સમાધન થયું હતું.
જિગ્નેશને શંકા હતી કે, જૈમિશ હજુ પણ વાતચીત કરે છે. મૃતક જૈમિશના પિતાનું અવસાન થઈ ગયું છે અને ભાઈ-ભાભી અને માતા સાથે કૈલાશ નગરમાં રહેતો હતો. પિતાના મોત બાદ નાના દીકરાની હત્યાના કારણે પરિવારમાં શોકમાં છે.