ગુજરાત

gujarat

ETV Bharat / state

હીરા દલાલની કરપીણ હત્યા, 2 મિત્રોએ જ ઢાળ્યું ઢીમ - Surat

સુરતઃ કાપોદ્રા વિસ્તારમાંથી ગુમ થયેલા હીરા દલાલની કરપીણ હત્યા કરી ઓલપાડ ખાતેની ઝાંડી-ઝાંખરમાં નાખી દેવામાં આવી હતી. આ હત્યા અન્ય કોઇ નહીં પરંતુ સાથી હીરા દલાલ મિત્રો દ્વારા જ કરવામાં આવી છે. હીરાદલાલ પાસે રહેલા લાખોના હીરા પડાવી લેવા માટે હત્યાનું કાવતરૂં રચવામાં આવ્યું હતું. જ્યાં હીરા દલાલને ફોન કરી કતારગામ ખાતેના મકાનમાં બોલાવ્યા બાદ બેટના ફટકા વડે માર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.

diamond broker

By

Published : Jul 1, 2019, 12:43 PM IST

જો કે, આ ઘટનાની અંદર કાપોદ્રા પોલીસ મથકે મિસિંગની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન સમગ્ર હકીકત બહાર આવી અને CCTVના આધારે ગુનાનો ભેદ ઉકેલી બંને આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.

વરાછા સ્થિત લંબે હનુમાન રોડ પર આવેલા અશોક વાટિકામાં રહેતા હીરા દલાલ મુકેશ લાઠીયા 21 જૂનથી ગુમ થયા હતા. જે અંગેની મિસિંગ ફરિયાદ પણ પરિવારજનો દ્વારા કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. કાપોદ્રા પોલીસ દ્વારા કરવામાં આવેલ તપાસ દરમિયાન ઘનશ્યામ અશ્વિન મુલાણી અને ઇલેશ વિઠ્ઠલભાઈ મોરી નામના હીરા દલાલના નામો સામે આવ્યા હતા. CCTV ફૂટેજ અને કોલ ડિટેલ્સના આધારે પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. જ્યાં પોલીસને જાણવા મળ્યું કે, મુકેશભાઈ લાઠીયાના મોબાઈલ પર ગત 21 જૂનના રોજ હીરા દલાલ ઘનશ્યામ અશ્વીનભાઈ મુલાણીનો ફોન આવ્યો હતો.

હીરા દલાલની કરપીણ હત્યા, 2 મિત્રોએ જ કરી હત્યા

જ્યાર બાદ ઘનશ્યામભાઈએ હીરા લેવા માટે પાર્ટી આવી હોવાની વાત જણાવી મુકેશભાઈને ફોન કરી કતારગામ બહુચર નગર સોસાયટીમાં આવેલા એક મકાનમાં બોલાવ્યા હતા. બોલાવેલ સ્થળે પહોંચતા જ ઘનશ્યામે બેટના ફટકા વડે માથાના ભાગે મારીને હીરા દલાલ મુકેશ લાઠીયાની હત્યા કરવામાં આવી હતી. હત્યારા ઘનશ્યામ મુલાની અને ઇલેશ મોરીએ લાશને સગેવગે કરવા મોડી રાત્રે મોટર સાયકલ પર સુરતના ઓલપાડ ખાતે આવેલ અબ્રામા રોડ જઇ ઝાડી-ઝાંખરમાં નાંખી દીધી હતી. જ્યારે મૃતક હીરા દલાલ મુકેશ લાઠીયાની મોટર સાયકલને વરાછા સવાણી એસ્ટેટ નજીક બિનવારસી હાલતમાં છોડી નાસી છૂટયા હતા.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, બંને હત્યારાઓ અને મુકેશ લાઠીયા એક સાથે હીરા દલાલીનો વ્યવસાય કરતા હતા. મુકેશ લાઠીયા પાસે કાયમી લાખોના હીરા પડ્યા રહેતા હતા. જે બાબત ઘનશ્યામ અને ઇલેશ સારી રીતે જાણતા હતા. હત્યારા ઘનશ્યામ અને ઇલેશ પર દેવું હોવાના કારણે તેઓ ચિંતામાં રહેતા અને આખરે દેવું ભરપાઈ કરવા બંનેએ સાથે મળી મુકેશ લાઠીયા પાસે રહેલા લાખોના હીરા પડાવી લેવાનું કાવતરું ઘડી નાખ્યું હતું. ઘનશ્યામે કોલ કરી મુકેશને જણાવ્યું કે, હીરા લેવા એક પાર્ટી આવી છે. આ પાર્ટી મારી સાથે હાલ ઉભી છે. જેથી મુકેશને કતારગામ બોલાવ્યો હતો. જ્યાં મુકેશની હત્યા તો કરી પરંતુ તેની પાસેથી હીરા ન મળતા બંનેનો પ્લાન ઊંધો પડી ગયો.

બંને હત્યારાઓએ પોતાનું દેવું ભરપાઈ કરવા એક પરિવારનો સહારો બનતા મોભીની હત્યા કરી નાખી છે. હીરા દલાલ મુકેશ લાઠીયાની હત્યા બાદ તેના માસૂમ પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જ્યારે પરિવારે ભરણ-પોષણ કરતા આધાર સ્તંભ ગુમાવ્યો છે. પરિવારે આરોપીઓને કડકથી કડક સજા મળે તેવી આશા ન્યાયતંત્ર પાસે કરી છે. પોલીસ દ્વારા હાલ બંનેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details