- બારડોલીના બાબેન ગામથી લાપતા થયેલી યુવતીની હત્યા
- યુવતીના પ્રેમીએ જ હત્યા કરી મૃતદેહને ખેતરમાં દાટી દીધો
- પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડી વધુ તપાસ હાથ ધરી
સુરતઃ જિલ્લામાં બારડોલીના બાબેન ગામે આવેલા લકઝરીયા એપાર્ટમેન્ટમાં રહેતી 28 વર્ષીય યુવતી લાપતા થયા બાદ તેનો મૃતદેહ વાલોડ તાલુકાના નવા ફળિયાના એક ખેતરમાં દાટેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઇ હતી. યુવતી તેમના ગામ કિકવાડના જ એક યુવક સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. 15 તારીખના રોજ ઝઘડો થતાં યુવકે તેને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેના સસરાના ખેતરમાં જ તેને દાટી દીધી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર મૂળ બારડોલી તાલુકાના કિકવાડ ગામે રોહિત ફળિયામાં રહેતી રશ્મિ જયંતિ કટારીયા છેલ્લા કેટલાક સમયથી ગામના જ યુવક ચિરાગ સુરેશ પટેલ નામના પરિણીત યુવક સાથે છેલ્લા ચાર વર્ષથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી અને ચિરાગ થકી તેને 3 વર્ષનો પુત્ર પણ છે.
ત્રણ દિવસ સુધી સંપર્ક નહીં થતા પિતાને ગઈ હતી શંકા
રશ્મિના પિતા જયંતી વનમાળી પટેલે ગત્ત 15 નવેમ્બરના રોજ દિવાળી અને નવ વર્ષ નિમિત્તે ટિફિન આપવા માટે રશ્મિને ફોન કર્યો હતો, પરંતુ તેનો ફોન ચિરાગે રિસીવ કરી રશ્મિ હાલ ઘરમાં નથી અને મને પણ કઈ કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ છે, એમ કહી ફોન મૂકી દીધો હતો. દરમિયાન 16 અને 17 નવેમ્બરના રોજ પણ સંપર્ક નહીં થઈ શકતા તેઓ પોતાના ભત્રીજા હિરેન કટારીયા સાથે રશ્મિના ઘરે પહોંચ્યા હતા. જ્યાં કામવાળી બહેન અને રશ્મિનો ત્રણ વર્ષનો પુત્ર હાજર હતા. કામવાળીને પૂછતાં તેમણે રશ્મિ બહાર ફરવા ગઈ છે અને ચિરાગ કિકવાડ ગામે આવેલા ખેતરે ગયા હોવાનું જણાવ્યું હતું. સગા સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં તે મળી આવી ન હતી. જેથી અંતે જયંતિભાઈએ પોતાની પુત્રી લાપતા થઈ હોવા અંગે બારડોલી પોલીસમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.
પુલિસે કડકાઈથી પૂછપરછ કરતા યુવકે કરી કબૂલાત
બારડોલી પોલીસ દ્વારા રશ્મિના લાપતા થવા અંગે તપાસ આરંભી હતી. રશ્મિના પિતા જયંતિભાઈએ ચિરાગ સામે શંકા વ્યક્ત કરતા પોલીસે ચિરાગની કડકાઈથી પૂછપરછ કરી હતી. જેથી પોલીસની પૂછપરછ દરમિયાન ચિરાગે રશ્મિની હત્યા કરી દીધી હોવાની કબૂલાત કરી હતી.
હત્યા બાદ મૃતદેહને ખેતરમાં દાટ્યો
રશ્મિ સાથે 15 તારીખના રોજ ઝઘડો થતા ગુસ્સામાં આવીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે બાદમાં પોતાની કારમાં મૃતદેહને મૂકીને તે વાલોડ તાલુકાના નવા ફળીયા ખાતે આવેલા તેના પહેલા સસરાના ખેતરમાં મૃતદેહને દાટી દીધો હતો. આ વાત પોલીસ સમક્ષ સ્વીકાર કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બારડોલી પોલીસે વાલોડ પોલીસ, મામલતદાર અને એફ.એસ.એલની ટીમ સાથે જ્યાં મૃતદેહ દાટ્યો હતો ત્યાં જે.સી.બી. મશીન વડે ખોદકામ કરી મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરી હતી.