સુરત : સુરતના અંત્રોલી ખાતે બની રહેલા દેશના પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન સહિત અન્ય વિસ્તારોની કામગીરીનું જાપાનના વડાપ્રધાનના વિશેષ સલાહકાર ડૉ. મસાફુમી મોરીની આગેવાનીમાં આવેલા હાઈ લેવલ ડેલીગેશને નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે જાપાનના ભારતમાં રાજદૂત હીરોસી સુઝુકી પણ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ : એવા દેશના પ્રથમ હાઈસ્પીડ રેલ પ્રોજેકટ બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. દેશનું પ્રથમ HSR સ્ટેશનનું કામ પણ ખૂબ જ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. જાપાનના સહયોગથી ચાલતી આ કામગીરીનું વખતોવખત જાપાનના ઉચ્ચ સ્તરીય ડેલીગેશન દ્વારા મુલાકાત લઈ રજેરજનું માહિતી મેળવવામાં આવતી હોય છે. જે અંતર્ગત જાપાની વડાપ્રધાનના સલાહકારે પણ આ પ્રોજેક્ટની મુલાકાત લઈ ચાલી રહેલી કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.
આ પણ વાંચો અમદાવાદ બુલેટ ટ્રેનનું A to Z, દાંડી યાત્રાની થીમનું સ્ટેશન જોવા મળશે
2026 સુધીમાં ચાલુ થશે બુલેટ ટ્રેન : અમદાવાદથી મુંબઇને જોડતા આ 508 કિમી લાંબા આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. 2026 સુધીમાં પ્રોજેકટ પૂર્ણ કરી સુરતથી બીલીમોરા સુધીની પ્રથમ બુલેટ ટ્રેન ચલાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેના કારણે ભારતીય રેલવે ઉપરાંત નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ના અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે. ખાસ કરીને સુરતથી બીલીમોરા વચ્ચેની કામગીરી પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
સુરત HSR સ્ટેશન ડાયમંડ આકારનું હશે : સુરત શહેરનું હાઈ સ્પીડ રેલવે (HSR) સ્ટેશન શહેરને છેવાડે આવેલા પલસાણા તાલુકાના અંત્રોલી ગામે બની રહ્યું છે. અહીં પણ ખૂબ જ ઝડપી કામ ચાલી રહ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોરનું કામ પૂરું થયું છે. હાલ પહેલા માળનું કામ ચાલી રહ્યું છે. આ સ્ટેશન ડાયમંડ આકારનું હશે. જે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે.
આ પણ વાંચો Ahmedabad Mumbai Bullet Train Project: બુલેટ ટ્રેન પ્રોજેકટમાં કઈ નદી પર પ્રથમ રિવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે? જાણો
સુરત HSR સ્ટેશનની કામગીરીની કરી સમીક્ષા : સોમવારના રોજ જાપાનન વડાપ્રધાનના વિશેષ સલાહકાર ડૉ મસાફુમી મોરી તેમજ જાપાનના રાજદૂત સુઝુકી હીરોસી સહિત જાપાનના ઉચ્ચ અધિકારીઓની એક ટીમ સુરત એરપોર્ટ ખાતે પહોંચી હતી. ત્યારબાદ આ ટીમ અંત્રોલી ખાતે નિર્માણઆધીન બુલેટ ટ્રેન સ્ટેશન પ્રોજેકટ સાઈટની મુલાકતે ગઈ હતી. તેમની સાથે NHSRCLના એમ.ડી. રાજેન્દ્ર પ્રસાદ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેઓએ કામની પ્રગતિ અંગેની માહિતી મેળવી હતી. સાઈટના એન્જિનિયરે સ્વાગત કરી તેઓને સમગ્ર પ્રોજેકટની કામગીરી અંગે માહિતગાર કર્યા હતા. HSR સ્ટેશનની મુલાકાત બાદ આ ટીમ પલસાણાના ભાટિયા ખાતેની ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાંથી વક્તાણા સાઈટની મુલાકાત બાદ સીધા સુરત એરપોર્ટ રવાના થયા હતા.