- 49 મતદાન કેન્દ્રો પર મતદાન યોજાશે
- ઉમેદવારોના ઘરમાં શૌચાલય જરૂરી
- બેઠકમાં અલગ અલગ પાર્ટીના આગેવાનો હાજર રહ્યા
સુરત: સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજકીય પક્ષોની સાથે સાથે વહીવટી તંત્રએ પણ નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે તૈયારીઓ આરંભી દીધી છે. આગામી 28મીના રોજ તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લઈને ચૂંટણી અધિકારી અને SDM વી.એન.રબારીની અધ્યક્ષતામાં મંગળવારના રોજ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોની ઉપસ્થિતિમાં એક બેઠક અને ટ્રેનિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોરોના ગાઇડલાઈનનું પાલન કરવામાં આવશે
ચૂંટણી આચારસંહિતા અને કોવિડ-19ના નિયમો અંગે માહિતી આપતા ચૂંટણી અધિકારી વી.એન.રબારીએ જણાવ્યું હતું કે, ચૂંટણી દરમિયાન ફરજીયાત કોવિડ-19 ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. ઉમેદવારીપત્રો ભરવા માટે ઉમેદવારો સાથે માત્ર દરખાસ્ત કરનારા અને ટેકેદાર એમ 2 જ વ્યક્તિઓ હાજર રહી શકશે. આ ઉપરાંત ઉમેદવારી નોંધાવનારાને 2 બાળકો અને તેમના ઘરમાં શૌચાલય હોવું ફરજીયાત છે.