સુરત: શહેરમાં ફરી એક વખત કોરોનાના કેસોનું પ્રમાણ વધતાં તંત્રની ચિંતામાં વધારો થયો છે. અઠવા ઝોન વિસ્તારમાં પ્રતિદિવસ 50થી પણ વધારે કોરોના કેસો નોંધાઇ રહ્યા છે. આ ઝોનમાં ભટાર, અલથાન, જૂના અને નવા બમરોલીના સંપૂર્ણ વિસ્તારોમાં 50 ટકા કેસોનું પ્રમાણ વધ્યું છે. જેથી શુક્રવારે આ વિસ્તારોનું નિરીક્ષણ કરવા મહાનગર પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ મુલાકાત લીધી હતી.
અઠવા ઝોન વિસ્તારમાં કોરોનાના રોજના નોંધાઇ રહ્યા છે 50થી વધુ કેસ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, ટેકસ્ટાઈલ્સ ઈન્ડસ્ટ્રીઝ માંથી હાલ વધુ કેસ આવી રહ્યા છે. જ્યાં આ ઇન્ડસ્ટ્રીના લોકો આજુબાજુના વિસ્તારોમાં ફરતા હોય તેને લઈ કેસોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. સ્ટ્રીટ વેંડર્સ રાતના દસ વાગ્યા બાદ હાઈરિસ્ક વિસ્તારમાં ધંધો નહીં કરી શકે. વધારેમાં વધારે લોકો પાર્સલ સિસ્ટમ અપનાવે તે જરૂરી છે.
આ પણ વાંચો - વતનથી પરત આવી રહેલા પરપ્રાંતીય શ્રમિકોના કારણે સુરતમાં કોરોના વધવાની દહેશત
ત્યારે પ્રતિદિવસ 10 હજાર લોકો સુરત રેલવે સ્ટેશન પર આવશે.અત્યારના સમયે પાંચ હજાર લોકોની હાજરી જોવા મળી રહી છે.500થી વધુ લોકોનું સ્ક્રીનીંગ કરી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.રેલવે સ્ટેશન પર સ્ક્રીનીંગ અને ટેસ્ટિંગની કૅપેસિટી વધારવામાં આવશે.જે જગ્યા પર શ્રમિકો કામ કરવા જાય છે. ત્યાં સુરક્ષા કવચ સમિતિ બનાવવામાં આવશે.જે કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીઝ અને યુનિટ ક્વોરોન્ટાઈન કર્યા વિના કારીગરોને કામ પર રાખશે અને તેમાંથી કોરોનાનો ચેપ પ્રસરશે તેવા સંજોગોમાં ઇન્ડસ્ટ્રીઝ તેમજ યુનિટને બંધ કરાવી કાર્યવાહી કરવામાં આવશે.
સુરત કોરોના અપડેટ
- શુક્રવારે 256 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- જેમાં શહેરમાં નવા 154 કેસ અને ગ્રામ્યમાં 102 કેસ નોંધાયા છે
- શુક્રવારે 2 દર્દીઓના મોત થયા છે
- અત્યાર સુધીમાં કોરોનાના કારણે 855 લોકોના મોત થયા છે
- સુરતમાં કોરોનાનો આંક 23,611 એ પહોંચ્યો છે
- સુરતમાં કોરાનાના એક્ટિવ કેસ 2478 છે