સુરત:વિશ્વના 100 માંથી 90 હીરાનું કટીંગ અને પોલિસીંગ સુરતમાં થાય છે. સુરત હીરા ઉદ્યોગ માટે હબ તરીકે ઓળખાય છે પરંતુ જે લોકો હીરાને ચમક આપે છે તેમના જીવનની ચમક ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે ઝાંખી થઈ રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ સર્જાય છે તેના કારણે અનેક દેશોએ રશિયાના ડાયમંડની ખરીદી માટે પ્રતિબંધ મૂકી દીધા છે. એક મહિના પહેલા એક્સપોર્ટમાં 31% નો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક સ્તરે ડિમાન્ડ ઓછી થતા તેની સીધી અસર રત્ન કલાકારોના જીવન પર પડી રહી છે. બાળકોના ભરણ પોષણ તેમના ભણતર અને ભાડાના મકાનમાં રહેનાર રત્નકલાકાર આર્થિક સંકળામણના કારણે આપઘાત કરવા પર મજબૂર થઈ રહ્યા છે.
રત્ન કલાકારો આપઘાત કરવા મજબુર:ડાયમંડ વર્કર્સ યુનિયનના વાઈસ પ્રેસિડેન્ટ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, માત્ર સુરત શહેરમાં આજે છેલ્લા એક વર્ષમાં 25થી વધુ જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે જેમાંથી સૌથી વધુ રત્ન કલાકારોએ આર્થિક સંકળામણના કારણે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. આઠ કલાકથી પણ વધુ સમય નોકરીને આપનાર આરાધના કલાકારોના પગારની વાત કરવામાં આવે તો તે 12,000 થી શરૂ થાય છે. એક્સપોર્ટ સારો થયા બાદ પણ જ્યારે મંદીનો માહોલ આવે છે ત્યારે કેટલીક કંપનીઓ તેમને કાઢી મૂકે છે અથવા તો પગારમાં કાપ મૂકે છે. આ રત્ન કલાકારો પરિવારનો ભરણપોષણ કરી શકતા નથી જેથી તેઓ આપઘાત કરી લે છે.
રત્ન કલાકારો પર આર્થિક બોજો:હીરાનો પૂરતો સ્ટોક ન હોવાના કારણે ઉનાળાનું વેકેશન પણ લંબાવી દેવામાં આવ્યું હતું. સામાન્ય રીતે હીરા ઉધોગમાં ઉનાળાનું વેકેશન 10 થી 15 દિવસનું હોય છે પરંતુ આ વર્ષે ઉનાળુ વેકેશન એક મહિના સુધીનું આપવામાં આવ્યું હતું. આ સાથે હીરા ઉદ્યોગકારો દ્વારા કામના કલાકો પણ ઘટાડી દેવામાં આવ્યા હતા. જે રત્ન કલાકારો 9થી 10 કલાક પ્રતિદિન કામ કરતા હતા તેઓ રોજના માત્ર ચારથી પાંચ કલાક જ કામ કરતા જોવા મળ્યા હતા. જેને કારણે આર્થિક બોજો રત્ન કલાકારો પર જોવા મળ્યો હતો.