- ભાજપની મિટિંગમાં 100થી વધુ કાર્યકરો ઉપસ્થિત
- મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કરાયું
- ભાજપની બેધારી નીતિ સામે લોકોમાં રોષ
સુરત: સુરત જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો છે ત્યારે સુરત જિલ્લા ભાજપ દ્વારા કોરોના પર કાબૂ મેળવવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં બારડોલી ખાતે આવેલી જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે શુક્રવારના રોજ રાજ્યના આદિજાતિ પ્રધાન ગણપત વસાવા, પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કાર્યકરોને શનિવારથી ગ્રામ્ય વિસ્તાર વિશેષ અભિયાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ગામડાના કોરોનાને અટકાવવા માટે મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં દરેક ગામમાં આવેલી પ્રાથમિક શાળાઓ અને કોમ્યુનિટી હોલમ કોવિડ સેન્ટર ઉભા કરવાનું જણાવવામાં આવ્યું હતું. 1લી મેથી 15મી મે સુધી આ કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કરાયું આ પણ વાંચોઃ પાંથાવાડામાં લગ્ન પ્રસંગે 50થી વધુ લોકો એકત્રિત થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ
પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આંખ આડા કાન
આ કાર્યક્રમમાં 100થી વધુ કાર્યકરો ઉપસ્થિત હતા. જેને કારણે લોકોમાં પણ નારાજગી જોવા મળી હતી. લોકોનું કહેવું છે કે પોલીસ અને વહીવટી તંત્ર કોરોના ગાઇડલાઇનનું પાલન કરાવવા માટે માત્ર પ્રજા પર જ રુઆબ બતાવી રહ્યું છે. જ્યારે ભાજપના નેતાઓ કાર્યક્રમ કરે તો તેની સામે પોલીસ દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોવાથી પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. ગત રોજ એક દીકરીના લગ્ન પ્રસંગમાં 70 જેટલા માણસો હાજર હોવાથી ગુનો દાખલ કરનારી બારડોલી પોલીસ પરિશ્રમ પાર્ક ખાતે યોજાયેલી ભાજપની બેઠકમાં 100 જેટલા કાર્યકરો છતાં મુક પ્રેક્ષક બની રહી હતી.
શુક્રવારે જ લગ્ન પ્રસંગમાં 70 માણસો ઉપસ્થિત રહેતા કરી હતી કાર્યાવહી
સુરત જિલ્લામાં કોરોનાને લઈને ભારે હાહાકાર મચ્યો છે. લોકોએ સ્વયંભૂ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે. તેમ છતાં હજી સુધી કોરોના પર કાબૂ મેળવવામાં આવ્યો નથી. બારડોલી પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે કડક સૂચના આપે છે. પોલીસના જવાનો દરેક ચોકડી બાઇક પર જતાં સામાન્ય નાગરિકોને માસ્ક ન પહેર્યું હોય તો દંડ ફટકારે છે. એટલું જ નહીં ગુરુવારે સિનિયર સીટીઝન હોલમાં એક દીકરીનો લગ્ન પ્રસંગ હતો. જેમાં દરવાજા બંધ કરી માત્ર 70 માણસો સંગીત સંધ્યાની મજા માણી રહી હતી. તેમાં બારડોલી પોલીસે પહોંચી વિક્ષેપ પાડ્યો હતો અને દીકરીના દાદા સામે ફરિયાદ નોંધી પોતાની બહાદૂરી બતાવી હતી.
આ પણ વાંચોઃ બાલદા ગામે લગ્ન પ્રસંગે થયો જાહેરનામાંનો ભંગ, 50થી વધુ લોકો એકઠા થયા
જિલ્લા ભાજપના કાર્યક્રમમાં પોલીસ મુકપ્રેક્ષક
આજે શુક્રવારે બારડોલી પોલીસ અને વહીવટી તંત્ર ભાજપના શાસ્ત્રી રોડ પર સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત ઉકાળા વિતરણ કાર્યક્રમમાં ઉમટેલી ભીડ, પરિશ્રમ પાર્ક ખાતે જિલ્લા ભાજપ કાર્યાલયમાં પ્રધાન ગણપત વાસવાની હાજરીમાં 100થી વધુ કાર્યકરોની ઉપસ્થિતિમાં મુકપ્રેક્ષક બનીને દ્રશ્યો નિહાળી રહી હતી. ત્યારે શું કાયદા માત્ર સામાન્ય નાગરિકો માટે જ ઘડવામાં આવ્યા છે. ખુદ પ્રદેશ ભાજપ દ્વારા રાજકીય કાર્યક્રમો કરવા પર રોક લગાવી દેવામાં આવી છે ત્યારે જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમ સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવી તેવા અનેક પ્રશ્નો સામાન્ય નાગરિકો પૂછી રહ્યા છે.
કાર્યક્રમમાં સંખ્યા મર્યાદિત હતી: સંદીપ દેસાઈ
સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ કોવિડ પર કાબૂ મેળવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉકાળા વિતરણ, ટિફિન સેવા સહિતની પ્રવૃત્તિ અંગે કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોવિડ-19ની ગાઇડલાઇનનો ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરીને જ તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સંખ્યા પણ મર્યાદિત જ હતી.