સુરત : રાજ્યમાં ધંધા વેપાર તો ઠપ્પ થઇ જ ગયા છે, પરંતુ સૌથી વધુ દયનીય સ્થિતિ હોય તો એ જગતના તાત કહેવાતા ખેડૂતની છે. હાલ ખેડૂતોને જાણે કપરો કાળ ચાલી રહ્યો છે. ઘઉં અને ડાંગર પકવતા ખેડૂતોની સાથે હવે બાગાયતી પાકો લેતા ખેડૂતોની હાલત કફોડી બની છે. નિકાસ માટેની વ્યવસ્થા નહીં ગોઠવાતા કેળા અને પપૈયા પકવતા ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ નીકળી રહ્યો નથી.
પહેલા 11 રૂપિયે કિલો કેળા વેચાતા હતા. જો કે, લોકડાઉન બાદ કોઈ વેપારી આવવા તૈયાર નથી અને આવે છે તો 3 રૂપિયે કિલો કેળા જાય છે. ઓલપાડ તાલુકાના સિવાણ, દેલાડ સહિતના ગામોના ખેડૂતોએ બનાવેલા કેળાનો પાક તૈયાર થઇ ગયો છે. પરંતુ લોકડાઉનના કારણે હાલમાં 70 ટકા માલ બગડી ગયો છે. જેથી ખેડૂતો દેવાદાર બની જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે.
કેળાની ખેતી અન્ય પાક કરતા ખર્ચાળ છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી સારો પાક લેતા ખેડૂતોએ આ વર્ષે સારા વરસાદને પગલે વધુ વાવેતર કર્યું હતું. જો કે, લોકડાઉને ખેડૂતોની તમામ આશા ઉપર પાણી ફેરવી દીધું. રાજ્યમાં કેળાના પાકના સત્તાવાર આંકડા મુજબ લગભગ 70 હજાર હેક્ટર જમીનમાં 46 લાખ ટન કેળાનો પાક ઉતરે છે. અંદાજે રોજના 20 હજાર ટન મુખ્યત્વે કેળાનો પાક ઉતરે છે. રાજ્યના જિલ્લા વાર વાત કરીયે તો ખેડૂતે મહામહેનતે પાક તો તૈયાર કરી દીધો પરંતુ કોરોના વાઈરસને લઇ સરકારે લોકડાઉન કરી દીધું અને ખેડૂતોની જાણે દશા બેઠી.
હવે સ્થિતિ એવી છે કે, નફાની વાત તો દૂર ઉત્પાદન ખર્ચના પૈસા પણ નીકળી શકે એમ નથી ત્યારે સરકારે ઓનલાઇન સર્વે કરી રાહત પેકેજ જાહેર કરવું જોઈએ. હવે લોકડાઉન પણ લંબાયું છે ત્યારે નુકસાનીનો આંક વધે તેવી પ્રબળ શક્યતા છે. આવા સંજોગોમાં સરકાર ખેડૂતોને વહારે આવી ખેડૂતોને મહામુસીબતમાંથી ઉગારે એ જ સમયની માંગ છે.
ભરૂચ જિલ્લામાં 12303 હેકટર માં 8,98,19 મેટ્રિક ટન, નર્મદા જિલ્લામાં 9100 હેક્ટરમાં 6,37,000 મેટ્રિક ટન, સુરત જિલ્લામાં 8839 હેક્ટરમાં 6,24,033 મેટ્રિક ટન, નવસારી જિલ્લામાં 3224 હેક્ટરમાં 1,77,320 મેટ્રિક ટન, વલસાડ જિલ્લામાં 1070 હેક્ટરમાં 60,990 મેટ્રિક ટન, તાપી જિલ્લામાં 1580 હેક્ટરમાં 94,800 મેટ્રિક ટન, આણંદ જિલ્લામાં 12700 હેક્ટરમાં 8,01,370 મેટ્રિક ટન, વડોદરા જિલ્લામાં 6037 હેક્ટરમાં 4,11,059 મેટ્રિક ટન, મહીસાગર જિલ્લામાં 6446 હેક્ટરમાં 4,51,220 મેટ્રિક ટન, સાબરકાંઠા માં 96 હેક્ટરમાં 4107 મેટ્રિક ટન, ભાવનગરમાં 1719 હેક્ટરમાં 83,372 મેટ્રિક ટન, ગીર સોમનાથમાં 850 હેક્ટરમાં 41846 મેટ્રિક ટન પાક તૈયાર થયો છે.
માત્ર દક્ષિણ ગુજરાતમાં જ અત્યાર સુધીમાં 600 કરોડનું નુકસાન થઇ ચૂક્યું છે. ખેડૂત સમાજે મુખ્યપ્રધાનને પત્ર લખી રાહત પેકેજ જાહેર કરવાની માંગ ઉચ્ચારી છે.