સુરત :રાહુલ ગાંધી તરફથી સુરત સેશન કોર્ટમાં સ્ટે ઓફ કન્વેક્સન માટે જે દલીલો કરવામાં આવી હતી, તેને જજ રોબિન પોલ મોગેરાએ ગ્રાહ્ય રાખી ન હતી. રાહુલ ગાંધીની અરજીને ફગાવતા કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, સાંસદ પદ જવું એ કન્વીક્શન ને રદ્દ કરવા માટે યોગ્ય આધાર નથી. આ કોઈ એવું નુકસાન નથી કે જેની ભરપાઈ થઈ શકે એમ નથી. રાહુલ ગાંધી માટે દલીલ કરવા માટે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ આર.એસ.ચીમા પોતે સુરતના સેશન કોર્ટમાં હાજર રહ્યા હતા અને અનેક દલીલોમાંથી પાંચ એવી મહત્વની દલીલો હતી જેના કારણે તેમને કન્વીક્શન પર સ્ટે મળી શકે પરંતુ આ પાંચેય દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખ્યો ન હતો.
- રાહુલ ગાંધીના વકીલ તરફથી કરવામાં આવેલી આ પાંચ દલીલો પર ખાસ નજર કરીએ તો...
દલીલ 1 - આ કેસમાં મહત્તમ સજા કરવામાં આવી છે. ટ્રાયલ કોર્ટમાં મારી સાથે અન્યાય થયો છે.
જજ મોગેરાએ આ અંગે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી અને તમામ સાક્ષીઓને પોતાનો પક્ષ રાખવા માટે તક આપવામાં આવી હતી. જેથી એ નહીં કહી શકાય કે તેઓને નિષ્પક્ષ સુનવણીથી વંચિત રાખવામાં આવ્યા છે. જ્યારે વાત મહત્તમ સજાની કરવામાં આવે તો તેનો અધિકાર જજને હોય છે. તેઓ કાયદા પ્રમાણે સજા ફરમાવતા હોય છે. રાહુલ ગાંધી કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તેઓ જવાબદાર સાંસદ છે અને તેઓ જે પણ કહે છે તેની અસર પ્રજાની ઉપર જોવા મળે છે. જેથી તેમની પાસે નૈતિકતાની આશા રાખવી જોઈએ.
દલીલ 2- બદનાક્ષીનો કેસ થાય એવું નથી કારણ કે નિવેદનમાં આ પૂર્ણેશ મોદીનું નામ લીધું જ નથી.
જજ મોગેરાએ આ અંગે જણાવ્યું હતું કે, મોદી સરનેમવાળા લોકોની સરખામણી ચોરો સાથે કરવાથી ચોક્કસથી ફરિયાદ કરનાર વ્યક્તિને માનસિક પ્રતાડના થઈ હશે અને તેમની પ્રતિષ્ઠાને નુકસાન થાય તેવું છે. કારણ કે તેઓ સમાજમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. જેના કારણે તેઓ લોકોને મળતા રહે છે. જ્યારે રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું ત્યારે તેઓ માત્ર સાંસદ જ નહીં તેઓ દેશની બીજી સૌથી મોટી પાર્ટીના અધ્યક્ષ પણ હતા. જેથી તેઓને પોતાનું પદ જોઈને શબ્દોની મર્યાદા ને લઈ સાવધાન રહેવું જોઈએ. કારણ કે તેમના શબ્દોની અસર લોકોના મગજ પર થાય છે.