સુરત : જો આપના બાળકો શાળાએ જાય છે અને આપ વિદ્યાર્થીના વાલી છો, તો આપને એકવાર આ ખબર વાંચવી ખૂબ જ જરૂરી છે, કારણ કે જે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, તે તમામ વાલીઓ માટે લાલબત્તી સમાન છે. નાના બાળકો એક પંચર બનાવવાના ટ્યુબથી નશો કરતા ઝડપાયા છે. પાંડેસરાની જલારામ સોસાયટીમાં ખુલ્લા મેદાનમાં બાળકો નશો કરતા હતાં. આ અંગે સ્થાનિક મનસુખ ભાઈને જાણ થઇ હતી. જેથી તેઓએ બાળકોના સ્કૂલ બેગની તપાસ હાથ ધરી હતી. બેગમાંથી સોલ્યુશન ટ્યુબ મળી આવી હતી આ લિક્વિડ ટ્યુબ હોય છે, જે મોટાભાગે ટાયર પંચર બનાવવા માટે વાપરવામાં આવતી હોય છે. બાળકોને આ સ્થિતિમાં જોઈ મનસુખભાઈએ તેમની પાસેથી વાલીઓના મોબાઈલ નંબર પણ માંગ્યા હતા. જો કે આ બાળકોએ તેમને વાલીઓના નંબર આપ્યા ન હતા.
Surat Minor Students: સુરતમાં માતા-પિતાની આંખ ઉઘાડતો કિસ્સો, ટ્યૂબ સોલ્યુશનનો નશો કરતાં બાળકો ઝડપાયા - સુરતના વિદ્યાર્થીઓ
શહેરના પાંડેસરા વિસ્તારમાં સોસાયટીના મેદાનમાં બાળકોના સ્કૂલ બેગમાંથી ટાયર પંચર માટે વપરાતી નશાકારક સોલ્યુશનની ટ્યુબ મળી આવતા વાલીઓ અને પોલીસ બંને ચોકી ઉઠ્યા હતા. ટ્યુબનો નશો કરતાં બાળકો ઝડપાયા છે.ત્યારે પાંડેસરા પોલીસે બાળકોના વાલીઓને પોલીસ મથક બોલાવી કાઉન્સેલિંગ કર્યું છે. જોકે બાળકો નશો કરે તે પહેલા ઝડપી લેવામાં આવતા પોલીસે બાળકોની દિનચર્યા પર ધ્યાન રાખવા અપીલ કરી છે.
Published : Nov 5, 2023, 7:39 AM IST
કાઉન્સિલિંગ કરાયું: ઘટનાની ગંભીરતા જોઈ મનસુખભાઈએ આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસ પણ આ અંગે જાણકારી મળતા ચોંકી ઉઠી હતી, અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે બાળકો આ ટ્યુબ થેલીમાં નાખીને સુંઘતા હોય છે. જે એક પ્રકારનો નશો છે. આવી જ રીતે અગાઉ પણ આ વિસ્તારમાં એક સગીર નશો કરતા ઝડપાઈ ચૂક્યો છે. બાળકોની આ સ્થિતિ જોઈ તાત્કાલિક પોલીસે તેમના વાલીઓને જાણ કરી હતી અને વાલીઓ સાથે કાઉન્સિલિંગ હાથ ધરવામાં આઆવ્યું હતું. પોલીસ દ્વારા અનેક સૂચનાઓ વાલીઓને આપવામાં આવી હતી. હાલ પોલીસે તમામ વાલીઓને પોતાના બાળકોની તકેદારી રાખવા તથા નશાના રવાડે ન ચડે તે માટે ધ્યાન આપવા અપીલ કરી છે.
પોલીસની વાલીઓને અપીલ: આ સમગ્ર મામલે સુરતના એસીપી ઝેડ.આર.દેસાઈએ જણાવ્યું હતું કે, બાળકો ભણવાની ઉંમરે નશાના રવાડે ચડી રહ્યા છે, જે રીતના બાળકોના બેગ માંથી સોલ્યુશન નામનું લિકવિડ ટ્યુબ મળી આવ્યું છે. તેથી કહી શકાય છે કે બાળકો આ ટ્યુબથી નશો કરતા હશે..? બાળકો ઘરેથી ભણાવવા માટે નીકળી જતા હોય છે. પરંતુ ક્યાંક આ રીતના સોલ્યુશન ટ્યુબના માધ્યમથી નશો કરી પોતાનું જીવન બગાડી રહ્યા છે. જ્યારે વાલીઓએ આ કિસ્સાથી ચેતી જવાની જરૂર છે. તમારા બાળકો ઘરેથી નીકળ્યા બાદ ક્યાં જાય છે. શું કરી રહ્યા છે આ તમામ બાબતો પર ધ્યાન રાખું ખૂબ જ જરૂરી છે.