- અટલ સંવેદના કોવિડ સેન્ટરમાં સામાજિક સંસ્થાઓનો પ્રયોગ
- કાર્ટૂન કેરેક્ટર્સની વેશભૂષા સાથે કોરોના દર્દીઓ સાથે સમય વિતાવ્યો
- દર્દીઓમાં માનસિક તણાવ દૂર કરવા માટે કરાઈ હતી કામગીરી
સુરત: અટલ સંવેદના કોવિડ સેન્ટરમાં અચાનક જ મિની માઉસ અને મિકી માઉસને જોઈએ દર્દીઓ અને ડોક્ટર સહિત મેડિકલ સ્ટાફના લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. ટીવીમાં જોવા મળતાં કાર્ટૂન કિરદારોને પોતાની સામે જોઈને કોરોના દર્દીઓ પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. કોવિડ સેન્ટરમાં મિની માઉસ અને મિકી માઉસ દરેક દર્દીઓ પાસે ગયા હતા, એટલું જ નહીં દર્દીઓનો માનસિક તણાવ દૂર કરવા માટે તેમની સાથે ડાન્સ પણ કર્યો હતો.
ડિઝની વર્લ્ડનાં મિકી અને મિની માઉસ કોરોના દર્દીઓને મળવા પહોંચ્યા પૌષ્ટિક આહાર અને ફ્રુટ લઈને આવ્યા હતા
અટલ કોવિડ સંવેદના સેન્ટરના ઇન્ચાર્જ કૈલાસ સોલંકીએ જણાવ્યું હતું કે, હેલ્પિંગ હેન્ડ્સ નામની સંસ્થાના યુવાનો દ્વારા આ પ્રયાસ કરાયો છે. ફેઝ 2 સંસ્થાના યુવાનોએ અમારો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જો દર્દીઓ, દર્દીઓના પરિવારમાંથી કોરોનાનો ડર દૂર કરવો હોય તો તેમને ખુશ રાખવા અમે પ્રયાસ કરીશું અને તેઓ મિની માઉસ અને મિકી માઉસ બનીને આવી ગયા હતા. એટલું જ નહીં તેઓ દર્દીઓ અને મેડિકલ સ્ટાફના તમામ લોકો માટે પૌષ્ટિક આહાર અને ફ્રુટ લઈને આવ્યા હતા.
અમે અમારું દર્દ ભૂલીને એકદમ હળવાફુલ થઈ ગયા
મિકી અને મિની માઉસે કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ અને મેડિકલ સ્ટાફ સાથે ડાન્સ કરીને દર્દીઓને રૂબરૂ મળીને ખુશ કરવાની કોશિશ કરી હતી. દર્દીઓનું પણ કહેવું હતું કે, અમને તેમની સાથે ખૂબ મજા આવી. અમે અમારું દર્દ ભૂલીને એકદમ હળવાફૂલ થઈ ગયા હતા. અમારું મન પણ પ્રફૂલ્લિત થઈ ગયું હતું.