સુરત: કોરોના વાઈરસના સંકટના કારણે માસ્ક પહેરવાનું ફરજિયાત છે. લોકડાઉનમાં છૂટછાટ મળતા હવે દુકાનદારો ગ્રાહકોને આકર્ષવા અને પૈસા કમાવવા માટે અવનવી તરકીબો અજમાવી રહ્યા છે. જો કે અત્યંત ગરીબ પરિવારના બાળકો પાસે આ માસ્ક ખરીદવા જેટલા પૈસા નથી. જેથી સુરતમાં મહિલાઓના 17 ગ્રુપ દ્વારા ખાસ આંગણવાડીના બાળકો માટે માસ્ક બનાવ્યા છે.
હાલ 50 આંગણવાડીના બાળકો માટે માસ્ક બનાવાયા છે. જો કે તમામ આંગણવાડીઓને આવરી લેવાશે. આ દરેક મહિલાઓએ 10-10 મીટર કાપડ સ્વખર્ચે લાવીને માસ્ક બનાવ્યા છે. જ્યારે એક ટ્રસ્ટ દ્વારા 1000 મીટર ઈલાસ્ટિક આપવામાં આવ્યું છે. માસ્કથી બાળકો સુરક્ષિત પણ રહેશે અને નવા માસ્ક જોઈને તેમના મુખ પર હાસ્ય પણ રહે.
સુરતમાં મહિલાઓના 17 ગ્રુપે 50 આંગણવાડીના બાળકો માટે બનાવ્યા કલાત્મક માસ્ક બાળકોને માસ્ક ગમે એ માટે સ્માઈલી અને નાનકડા શો પીસ લગાવવામાં આવ્યા છે. અન્ય ખાસ વાત એ છે કે, નવજાતથી લઈ 6 મહિનાના બાળકો માટે પણ નાના માસ્ક બનાવવામાં આવ્યા છે. આંગણવાડી સિવાય એવા ગરીબ બાળકો કે જેમના પરિવારો માસ્ક લેવા સક્ષમ નથી તેઓને પણ આ માસ્ક વિના મૂલ્યે આપવામાં આવશે.
આ સમગ્ર કાર્યના સુત્રધાર રૂપલ શાહે જણાવ્યું હતું કે, "સુરતની તમામ 1005 આંગણવાડીના બાળકોને વિના મૂલ્યે માસ્ક અપાશે. જો કે હાલ પ્રથમ તબક્કામાં 50 આંગણવાડીના બાળકોને માસ્ક આપવામાં આવશે. બાળકોને માસ્ક આકર્ષક લાગે એ માટે શો-પીસ લગાડવામાં આવ્યા છે. જેથી તેઓને માસ્ક ગમે પણ અને તેઓ સુરક્ષિત પણ રહે."