સુરતવાસીઓની સમસ્યાઓને વાચા મળી સુરત :માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા NHAI વિભાગના અધિકારીઓ સાથે લોકોની સમસ્યા અંગે મિટિંગ કરી આવેદન આપ્યું છે. જેમાં કામરેજ ટોલ નાકા પર બંને તરફના બંધ ગેટ કાયમી ચાલુ કરવા, ફાસ્ટેગ સ્કેનીંગ સિસ્ટમને ફાસ્ટ કરવી, સ્પિડબ્રેકર ઓછા કરવા, ક્રોસિંગ પર ટ્રાફિક નિયંત્રણ, રસ્તાઓની મરામત અને ગંદકી દૂર કરવા જેવી બાબતોની રજૂઆત કરવામાં આવી હતી.
NHAI વિભાગ સાથે બેઠક :માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની કચેરી ખાતે આજે NHAI વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં વિવિધ પ્રશ્નોની રજૂઆત સાથે અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કામરેજ ટોલ નાકા સહિત નેશનલ હાઈવે 48 પર રોજિંદા ટ્રાફિકની સ્થિતીને ધ્યાનમાં રાખી બિસ્માર રસ્તાનું સમારકામ, ગંદકી, કામરેજથી કોસંબા વચ્ચે આવેલા કટ પર સર્જાતી ટ્રાફિક સમસ્યા સંબંધી ચર્ચા અને નિરાકરણ અંગે માંગરોળ ઇન્ડસ્ટ્રીયલ એસો.ના અગ્રણી પ્રવિણ ડોંગાની ઉપસ્થિતીમાં મળેલી બેઠકમાં હાજર ફેક્ટરી માલિક દ્વારા હાઇવે ઓથોરિટીના અધિકારીઓને ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.
ટ્રાફિકની સમસ્યાનું સમાધાન : ફેક્ટરી માલિકોની માંગમાં મુખ્યત્વે કામરેજ નજીક ટોલનાકા ઉપર કાયમી ટ્રાફિક સમસ્યા માટે જવાબદાર બંને તરફનાં કુલ 18 ગેટ પૈકી 14 ગેટ કાર્યરત રાખી બંને તરફના બે-બે ગેટ કાયમ માટે બંધ રાખવામાં આવતા ટોલનાકા મોટા પ્રમાણમાં લગાડવામાં આવેલા સ્પીડ બ્રેકરને ઓછા કરવા, પીપોદરા કેનાલ પાસે બંને તરફ સર્વિસ રોડનું નવીનીકરણ કરવું જેના પગલે ટ્રાફિકનું ભારણ ઓછું થાય, ઘલા પાટીયા પાસે ફાઉન્ટન હોટલ નજીક અકસ્માતની નોંધપાત્ર ઘટનાઓનાં ઉકેલ માટે ક્રોસિંગની ડિઝાઇનને સુધારવી, કામરેજ તાપી નદીના બ્રિજ ઉપર જોઈન્ટ પર કામચલાઉ લોખંડની પ્લેટનું કાયમી સમાધાન કરવા રજૂઆત કરવામાં આવી હતી.
ઉદ્યોગપતિઓની રજૂઆત : આ ઉપરાંત કામરેજથી કોસંબા વચ્ચે રોજિંદા ટ્રાફિક જામ થતા હોય ત્યાં સ્થિતિ પૂર્વવત નહીં થાય ત્યાં સુધી ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસ સ્ટાફ તૈનાત કરવા, કીમ ચાર રસ્તા પર બ્રિજ નીચે બંને તરફ એક-એક કટ ખોલી બંને દિશામાં પાકા રસ્તા બનાવવા, કામરેજથી કોસંબા કેટલીક જગ્યાએ ફોર લેન ટ્રેકની જગ્યાએ 6 લેન કરવા જેવી મુખ્ય સમસ્યા સંદર્ભે માંગરોળ, કીમ, પાનસરા, બોરસરા, હરીયાલ, પીપોદરાના ફેક્ટરી માલિક મોટી સંખ્યામાં હાજર રહી NHAI વિભાગના અધિકારીઓને અસરકારક રજૂઆત કરવામાં આવી હતી.
NHAI વિભાગનો વાયદો : માંગરોળ તાલુકાના ઉઘોગપતી પ્રવીણ ડોંગાએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ NHAI વિભાગ દ્વારા રજૂઆત ગંભીરતાથી ન લેતા આખરે પોલીસ અધિકારીઓની હાજરીમાં બેઠક બોલાવવામાં આવી હતી. તમામ હાલાકી દૂર કરવા તેઓને 20 દિવસનો સમય આપવામાં આવ્યો છે. NHAI વિભાગના ટેકનીકલ ઓફિસર આકૃતિ ગુપ્તા સહિતના અધિકારીઓ યોગ્ય નિકાલ માટેની હૈયા ધરપત આપી હતી.
- Surat Accident News: ઓવરટેક કરવાની લ્હાયમાં બાઈક ટ્રકમાં ઘૂસી ગઇ, બે પૈકી એકનું ઘટનાસ્થળે જ મોત
- Surat Railway Station: સુરતમાં વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ