સુરતી માંજો દેશ-વિદેશમાં પ્રખ્યાત સુરત :ઉતરાયણના પર્વના આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ગુજરાત સહિત દેશભરમાં રહેતા પતંગરસિયાઓ ઉત્તરાયણ પર્વની તૈયારીઓમાં લાગી ગયા છે. પતંગ-દોરાની ધૂમ ખરીદી થઈ રહી છે. ત્યારે આ બધા વચ્ચે વિશ્વભરમાં પ્રખ્યાત સુરતી માંજો પતંગરસિકોની પહેલી પસંદ બન્યો છે. વર્ષોથી ઉતરાયણ માટે દેશ-વિદેશમાં સુરતી માંજા લોકો પસંદ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છે ફેવિકોલયુક્ત લુગદીથી તૈયાર પાણીદાર સુરતી માંજો કેવી રીતે તૈયાર થાય છે ?
પતંગ-દોરાની માર્કેટ ધમધમતી થઈ સુરતી માંજાની શરૂઆત :સુરતી માંજાનું માર્કેટમાં આગમન વર્ષ 1957 માં થયું હોવાનું માનવામાં આવે છે. ભગવાનભાઈ અને હસમુખભાઈ નામના બે ભાઈઓએ 1957 માં ભાગળ ખાતે સૌ પ્રથમ ભગવાનદાસ નામથી દુકાનની શરૂઆત કરી હતી. ભગવાનભાઈને દીપક અને ચંદ્રેશ એમ બે દીકરા હતા. જ્યારે હસમુખભાઈને પણ અનિલ અને પ્રકાશ નામના બે દીકરા છે. આ પરિવારના તમામ સભ્યોએ સાથે મળીને આ ધંધો શરૂ કર્યો હતો. ભાગલ કોટ સ્ફીલ રોડ પર ઝૂંપડી જેવા ઘર અને ખાડી પણ હતી. ત્યારે ત્યાં જગ્યા કરીને માંજા બનાવવા અને વેચવાની શરૂઆત કરી હતી. અમદાવાદમાં 2002 માં બેસ્ટ દોરાનો એવોર્ડ પણ ભગવાનદાસને મળી ચૂક્યો છે.
દોરી માંજવાની પરંપરાગત પદ્ધતિ દોરી માંજવાની પરંપરાગત પદ્ધતિ :સુરતી માંજો વિશ્વભરમાં પ્રખ્યાત છે, તેનું કારણ આ દોરી માંજવાની ખાસ રીત છે. આ દોરી કેવી રીતે તૈયાર થાય છે તથા પહેલા અને અત્યારના સમયમાં શું ફેરફાર આવ્યો તે અંગે પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે, પહેલા હાથથી દોરી ઘસાતી હતી અને રેટિયાથી દોરી વીંટવામાં આવતી હતી, જેમાં એક વ્યક્તિ હાથથી દોરી ફેરવે છે અને એક વીંટે છે. કુલ 4 લોકો આ પ્રક્રિયામાં જોડતા હતા, પરંતુ સમયની સાથે ટેકનોલોજી આવી અને હવે મશીનનો ઉપયોગ થાય છે.
સુરતની માંજાનું ગુજરાતભરમાં વેચાણ થાય છે. એટલું જ નહીં ગુજરાતની બહાર અનેક રાજ્યોમાં સુરતની દોરીની માંગ રહે છે. આ સાથે વિદેશમાં પણ સુરતી માંજાની ડિમાન્ડ છે. અમે કુરિયર માધ્યમથી માંજો અમેરિકા, લંડન, સાઉથ આફ્રિકા અને દુબઈ સુધી મોકલીએ છીએ. વિદેશ મોકલવા માટે ખાસ માંજો તૈયાર કરવામાં આવે છે. -- ફેનિલ (સ્થાનિક વ્યાપારી)
માવજતથી તૈયાર થતો માંજો : સુરતી માંજો તૈયાર કરતા પહેલાં ખૂબ જ લાંબી પ્રોસેસ અને તૈયારી કરવી પડે છે. સામાન્ય સફેદ કોટનના દોરાને વિશેષ રીતથી માંજવામાં આવે છે. સુરતી માંજાને તૈયાર કરવામાં સરસ, પાવડર, મેંદો, જે કલરની દોરી કરવાની હોય તે કલર વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. માંજો તૈયાર કરતા પહેલા સરસને સમગ્ર ગરમ કરી ઓગાળવામાં આવે છે અને આખી રાત તેને રાખવામાં આવે છે. ત્યારબાદ તેમાં બાકીની તમામ સામગ્રી મેળવવામાં આવે છે.
પાણીદાર સુરતી માંજો :સામાન્ય દોરીને કલર પાઈને સુરતી માંજો તૈયાર કરવાની મુખ્ય પ્રક્રિયા સામગ્રી તૈયાર થઈ ગયા પછી થાય છે. ચરખા પર વિશેષ રીતે સુરતી માંઝાને કલર પાવામાં આવે છે. જોકે આ માંજો તૈયાર કરવામાં સુરતના પાણીની મહત્વ ભૂમિકા છે. સુરતની તાપીનું પાણી વિશેષ અને ખાસ છે. સુરતના પાણીના લીધે જ દોરી પર કલર ચડે છે અને આથી જ પાણીદાર સુરતી માંજો વિશ્વ વિખ્યાત છે.
વિશ્વભરના માર્કેટ પર રાજ :પતંગ વિક્રેતા ફેનીલે જણાવ્યું હતું કે, ગણેશ ઉત્સવ બાદ જ ઉતરાયણ પર્વ માટે સુરતી માંઝો બનાવવાની તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે. માત્ર બે મહિના માટે જ આ ધંધો બંધ રહે છે. હોલસેલ અને મોટા વેપારીઓ ઉત્તરાયણના બે મહિના બાદ ઉનાળો શરૂ થતાની સાથે જ દોરી બનાવવાનું ફરી શરૂ કરી દે છે. ચાર મહિના સુધી તેઓ આવનારા વર્ષ માટે સુરતી માંજો તૈયાર કરે છે. ચોમાસાના ચાર મહિના ફરી કામ બંધ કરી દે છે. શિયાળો શરૂ થતાની સાથે ધીરે-ધીરે ફરી કામ શરૂ કરી દેવામાં આવે છે. મકરસંક્રાંતિમાં પતંગ-માંજા લોકોને મોજ આપવાની સાથે અનેક લોકો માટે રોજાગરનું માધ્યમ પણ પૂરું પાડે છે.
હું આમ તો ઉત્તર ગુજરાતથી છું પરંતુ ઘણા વર્ષોથી સુરત રહું છું. સુરત અલગ અલગ વસ્તુઓ માટે પ્રખ્યાત છે જેમાંથી એક સુરતી માંજો પણ છે. સુરતી હોય અને હું સુરતી માંજો ન ખરીદું એ શક્ય જ નથી. સુરતીની ઓળખ જ આ માંજાથી છે. --દીક્ષિત ત્રિવેદી (સ્થાનિક ગ્રાહક)
સેંકડો પરિવારનું પેટ ભરતો ઉદ્યોગ :ઉતરાયણ પર્વ પર પતંગની દોરી ઘસવાનું લોકો વધારે પસંદ કરે છે. ત્યારે સુરતમાં મોટી સંખ્યામાં કારીગરો દોરી ઘસવા માટે આવે છે. હાલ સુરતી માંજા માટે ભાગળ અને ડબગરવાડ હબ તરીકે ગણાય છે. અહીં અઢી હજારથી પણ વધુ કારીગરો સુરતી માંજા તૈયાર કરતા હોય છે. આ એક સીઝનલ ધંધો છે, જેથી કારીગરો ઉત્તરાયણના તહેવાર નિમિતે દોરી ઘસવાના વ્યવસાય સાથે જોડાય છે. જેથી આ તહેવાર અનેક લોકોને રોજગારી પૂરી પાડે છે. સુરત શહેરનો ભાગળ વિસ્તાર સુરતી માંજાનું હબ ગણાય છે. અહીં વર્ષોથી પરંપરાગત રીતે સુરતી માંજો બનાવતી 700 થી પણ વધુ દુકાનો છે. અનેક પેઢીઓથી આ લોકો અને તેમના પરિવાર માંજા ઉત્પાદનના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
પતંગ-દોરાનું પ્રખ્યાત માર્કેટ :સુરતના ભાગળ અને ડબગરવાડ વિસ્તાર પતંગ દોરા માટેનું સૌથી મોટું માર્કેટ છે, અહી દિવાળીના સમયથી જ પતંગ-દોરીના સ્ટોલ લાગી જાય છે. અવનવી વેરાયટી અને અવનવા પતંગો અહી વેચાણ માટે આવે છે. સુરતવાસીઓ છેલ્લા દિવસે અહીં લાખોની સંખ્યામાં એકઠા થઈને હરાજીમાંથી પતંગ ખરીદી કરે છે. ઉતરાયણને લઈને અહીં જબરદસ્ત માહોલ જામ્યો છે. ઉપરાંત અન્ય રાજ્ય કે શહેરમાં રહેતા પોતાના પરિજનો માટે પણ લોકો અહીંથી માંજો ખરીદી મોકલાવે છે. આ વિસ્તારમાં દોઢ હજારથી પણ વધુ દુકાનોમાં સુરતી માંજો તૈયાર થતો હોય છે.
- National Swimming Championships: 'જોરદાર જેનિશ', આ પેરા સ્વીમરે એક હાથના સહારે નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં 5 મેડલ મેળવ્યા
- Sports Special: ડોક્ટરે કહ્યું,'ક્યારેય ટેબલ ટેનિસ નહીં રમી શકો', 21 વર્ષ બાદ કમબેક કરી 500થી વધુ મેડલ જીત્યા