સુરત :સુરતની ટેક્સટાઈલ માર્કેટ કે, જ્યાં દેશભરના લોકો ખરીદી કરવા આવતા હોય છે અને અહીંથી કરોડો રૂપિયાનો વેપાર દેશભરમાં થાય છે. સુરત કાપડ બજાર એશિયાનું સૌથી મોટા કાપડ બજારનું હબ છે. અહીં 300 થી વધુ કાપડ માર્કેટ છે. જેમાં 65 હજારથી વધુ કાપડની દુકાનો સહિત 350 પ્રોસેસિંગ હાઉસ છે. ત્યારે વીવીંગ ઇન્ડસ્ટ્રીની સાથે એમ્બ્રોઇડરી અને વેલ્યુ એડીશન કરનારી સુરત ટેકસટાઇલ માર્કેટની હાલત કફોડી બની છે.
સુરત ટેક્સટાઈલ ઉદ્યોગના જુદા-જુદા ચાર પાર્ટ છે. જેમાં આશરે 15 લાખ જેટલા લોકો જોડાયેલા છે. જે પૈકી કપડા બજારમાં કટિંગ, પેકીંગ, ફોલ્ડિંગ, લોડિંગ-અનલોડિંગ મળીને લગભગ પોણા ચાર લાખથી 4 લાખ જેટલા કારીગરો કામ કરે છે. પરંતુ જ્યારથી જીએસટી અમલમાં આવ્યું છે, ત્યારથી ઉદ્યોગ ધીમે-ધીમે મરણ પથારીએ જવા લાગ્યો હોય એવું વેપારીઓ માની રહ્યા છે. આ મુશ્કેલી વચ્ચે કોરોનાની સ્થિતિ આવતાં સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, જેના કારણે દેશભરમાં વેપાર સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો હતો.
સુરતમાં મોટાભાગના કારીગરો રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી અને બિહારના છે. એસોસિએશનના પ્રમુખ રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે, લોકડાઉનના બે ફેઝમાં અમારી માર્ચ-એપ્રિલની બે મહિનાની લગ્નપ્રસંગ, રમજાન, વૈશાખી અને અખાત્રીજ જેવી મહત્વની સિઝન નિકળી ગઈ છે. GST પહેલા દરરોજ સવા ચાર કરોડ મીટર પ્રતિ દિવસ કાપડનું ઉત્પાદન થતું હતું. જ્યારે હાલ GST બાદ કોરોના કાળમાં ઘટીને 75 લાખ મીટર પ્રતિ દિવસ થઈ ગયું છે. હાલ લગ્ન સહિત મહત્ત્વના સિઝન ચાલી ગઈ છે. કારીગરો પણ વતનથી પરત આવી રહ્યા નથી અને બજારમાં વેપાર પણ નથી. સરકાર પાસેથી અત્યાર સુધી અપેક્ષા રાખવામાં આવી હતી, પરંતુ ટ્રેડર્સની અપેક્ષાઓ ક્યારે પણ પૂર્ણ કરવામાં આવી નથી. જેથી હવે ટ્રેડર્સ સરકાર પાસે કોઈ પણ આશા રાખતા જ નથી.