સૂરત : સૂરતના ડીંડોલી વિસ્તારની માસૂમ બાળકી ગુડિયાની વાત આગળ જાણો એ પહેલાં તેનો કેસ લડી રહેલા વકીલની આ મર્માન્તક પીડાભર્યાં શબ્દો ધ્યાનથી સાંભળતાં જે ઘ્રૂજારી અનુભવાય છે. તેને કદાચ શબ્દ વ્યક્ત કરી શકે તેમ નથી. આ છે એ ડગ જે ધરતી પર મહાપ્રયત્ને ચાલી રહ્યાં છે. આમ તો એની વય એટલી નાની છે કે એ પોતાની દુખદ સ્થિતિને પૂરી રીતે સમજી કે અભિવ્યક્ત કરી શકે તેમ પણ નથી.
તેના પેટ પર બાંધેલી દેખાતી આ બેગ જાણે એના જીવનનો અભિન્ન હિસ્સો બની ગઈ છે.દુષ્કર્મ બાદ છેલ્લાં બે વર્ષમાં ગુડિયાના ચાર મેજર ઓપરેશન થઈ ચૂક્યાં છે. બે વર્ષથી લેટરીન બેગ સાથે જીવન પસાર કરી રહેલી ગુડિયાને 5માં ઓપરેશન થકી બેગથી મુક્તિ મળનાર હતી. પરંતુ લૉક ડાઉનના કપરા સંજોગોમાં અમદાવાદ સિવિલમાં જઈ શકે તેમ નથી જેથી સુરતમાં ગુડિયાનું ઓપરેશન કઈ રીતે કરી શકાય તેની જદોજહેદ શરૂ કરવામાં આવી છે.
આ કેસની વાત કરીએ તો તેની ઉંમર 6 વર્ષ છે...તેની સાથે દિલ્હીની નિર્ભયા કરતાં પણ વધુ પાશવી કૃત્ય કરવામાં આવ્યું હતું. એ સમયે ચાર વર્ષની બાળકી પર થયેલા બળાત્કારની ઘટના એટલી ગંભીર હતી કે, તેના ચાર ઓપરેશન થઈ ચૂક્યાં છે અને આજે પણ એ બાળકી બેસી શકતી નથી. માત્ર છ વર્ષની ઉંમરે બાળકી તેનું બાળપણ ગુમાવી ચૂકી છે એ વાત તેના પરિવાર, મદદગાર અને ડૉક્ટરોને પણ કંપાવી રહી છે. અમદાવાદમાં કોરોનાની ગંભીર સ્થિતિ અને અને બાળકીની ઓછી રોગ પ્રતિકારક શક્તિને લઇ તેનું એપ્રિલમાં થનારું પાંચમું ઓપરેશન સમયસર થઈ શક્યું નથી. બાળકીનાં વકીલ પ્રતિભા દેસાઈએ સૂરતના વરિષ્ઠ ગાયકોનોલિસ્ટ ડૉ.દીપ્તિ પટેલ સાથે ચર્ચા કરી અને આખરે વીડિયો કોન્ફરન્સથી તમામ વિવરણ મંગાવી બાળકીનું ઓપરેશન સૂરતમાં જ કરવામાં આવે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યાં છે. ડૉક્ટર દીપ્તિએે આ અંગે ETV Bharat સાથે વાત કરી હતી.
દારુણ દુષ્કર્મની પીડિત 6 વર્ષની ગુડિયાનું લૉકડાઉને રોક્યું 5મું ઓપરેશન ઓપરેશન બાદ તેે અન્ય બાળકોની જેમ શાળા જઈ શકશે. ઘટનાને બે વર્ષ થયાં બાદ પણ આ બાળકીને કોઈ સ્પર્શે તો ધ્રૂજે છે. ડોકટર પણ હાથ લગાવે તો કંપી ઉઠે છે. બાળકીએ તેની દર્દનાક જિંદગીમાં તેની આસપાસ ડોકટરો અને પોલિસને જ કામ કરતાં જોયા છે. જે ઉંમરે બાળકો ધમાલમસ્તી અને સ્કૂલ-ટયુશનમાં સમય વિતાવતાં હોય છે એવા સમયે ગુડિયા બાળકી પથારીમાં વીતાવી રહી છે. બાળકીના વકીલ પ્રતિભા દેસાઈએ જણાવ્યું હતું કે જ્યારથી તેની સાથે આ ઘટના બની ત્યારથી આજ દિન સુધી રોજે તેની લેટરીન બેગ બદલવી પડે છે. અત્યારસુધી 600 બેગ આપવામાં આવી છે. કારણ કે આ શ્રમિક પરિવારની દીકરી હોવાથી આ મોંઘી બેગ ખરીદી શકે એમ નથી. પાંચમું ઓપરેશન પણ છેલ્લું નથી, તેના પછી પણ વધુ એક ઓપરેશન થનાર છે.
ઘટના શું હતી ?
ઓક્ટોબર, 2018માં આ બાળકી પર 19 વર્ષીય રોશન ભૂમિહારે પાશવી દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલી ક્રૂરતા આચરી કે એ સમયે જ બાળકીના આંતરિક ભાગો એક થઇ ગયાં હતાં. ઘટનાના સમયે લોહી બંધ કરવા માટે બાળકીના આંતરિક ભાગોમાં 30 જેટલા ટાંકા લેવા પડ્યાં હતાં અને એક મહિનો તે હોસ્પિટલમાં દાખલ રહી હતી. એ સમયે લેટરીન બંધ થઈ ગયું હતું. તેને વોમિટ થતી હતી. બાળકી કુદરતી હાજતની ચેતના જ ગુમાવી બેઠી હતી. અત્યાર સુધી બાળકીનો લેટરીન પર કંટ્રોલ બિલકુલ નથી. બાળદિવસે આ બાળકીનું ઓપરેશન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડૉ. રાકેશ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં તેના બંને આંતરિક ભાગોને અલગ કરી ૩૫ ટાંકા લેવામાં આવ્યાં છે.
જ્યારે તેનો આરોપી ડીંડોલી ખાતે રહેતો મૂળ બિહારનો આરોપી એવો રોશન ઉર્ફે સુકર કાંતાસિંગ ભૂમિહાર(ઉં. વ. -19) જેલમાં બેઠી જિંદગી વીતાવી રહ્યો છે. એ દિવસે તેના જ 4 વર્ષીય ભાણેજ સાથે ઘરના આંગણે રમી રહેલી ગુડિયાને ચોકલેટ અપાવવાના બહાને ઘરની થોડે દૂર રેલવે ફાટક પાસેના પાલિકાના ખુલ્લા મેદાનમાં લઈ ગયો હતો. જ્યાં વણવપરાયેલા પાઇપનો જથ્થો પડ્યો હતો. આરોપી બાળકીને સાતમા નંબરના પાઇપમાં લઈ ગયો હતો અને બાળકી પર પાશવી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટના એટલી ક્રૂર હતી કે, બાળકીના બંને આંતરિક અવયવ એક થઈ ગયાં હતાં. આ સમયે બાળકીએ પાણી માંગ્યું હતું તો આરોપીએ માસૂમને તમાચો મારી તેનું ગળું દબાવી દીધું હતું. બાળકી મરી ગઈ હોવાનું માની તે ત્યાંથી ભાગી ગયો હતો. રોશન ભૂમિહારને અહીંના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર.કે.દેસાઈને કોર્ટ દ્વારા છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફટકારવામાં તો આવી છે પરંતુ તેના કરતાં આ બાળકી રોજેરોજની સજા ભોગવી રહી છે.