હાઇવે ક્રોસ કરતા દિપડાના બચ્ચાનું મોત, વનવિભાગે અંતિમ વિધિની તૈયારી કરી બારડોલી:બારડોલી તાલુકાના નાંદીડા ગામ નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 53 પર રસ્તો ક્રોસ કરી રહેલું દીપડાનું બચ્ચું અજાણ્યા વાહનની અડફેટમાં આવી ગયું હતું. ગંભીર ઇજા થતાં બચ્ચાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. વન વિભાગે દીપડાના મૃતદેહનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી છે.
"કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા બચ્ચાનું મોત થયું છે. બચ્ચું અંદાજીત 6 મહિનાનું હતું. મૃતદેહનો કબજો લઈ પશુ ચિકિત્સક પાસે પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેની અંતિમવિધિ કરવામાં આવશે."--સુધાબેન ચૌધરી (બારડોલી આર.એફ.ઓ.)
ગંભીર ઇજા થઇ: નેશનલ હાઇવે નંબર 53 પર નાંદીડા ગામ પાસે એક દીપડાના બચ્ચાને અજાણ્યા વાહને ટક્કર મારી હોવાની જાણ થતાં જ બારડોલીની ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગનો સ્ટાફ પણ ત્યાં પહોંચી ગયો હતો. વનવિભાગે દીપડાના બચ્ચાને જોતા તેને માથાના ભાગે તેમજ શરીર પર ગંભીર ઇજા થઇ હોય સ્થળ પર જ મોત થયું હતું.
રસ્તો ક્રોસ કરતી વખતે બની ઘટના: સ્થાનિક તેમજ તે સમયે હાઇવે પરથી પસાર થતા લોકોએ જણાવ્યું હતું કે, "સુરત તરફથી પૂરઝડપે આવતી એક કારે બે બચ્ચા સાથે રસ્તો ક્રોસ કરી રહેલા દીપડા પૈકી એક બચ્ચાંને ટક્કર મારી દીધી હતી. આથી બચ્ચું ફંગોળાઈને ડિવાઈડરમાં પડ્યું હતું. ગંભીર ઇજા થતાં બચ્ચાનું મોત થયું હતું." બીજી બાજુ નાંદીડા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી દીપડા દેખાઈ રહ્યા છે. જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે. ત્યારે પીંજરું ગોઠવી દીપડાને પકડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
- Leopard caged : પલસાણાના વણેસાથી અઢી વર્ષની દીપડી પાંજરે પુરાઇ, હવે એનું શું કરાશે જૂઓ
- Surat News : માંડવી તાલુકામાં સ્ટોન ક્વોરી વિસ્તારમાં પ્રવેશી દીપડા દ્વારા શ્વાનનો શિકાર, સીસીટીવીમાં ઝીલાઇ ઘટના