સુરત:છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો પારો વધ્યો છે.જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.હાલ માર્ચ ચાલી રહ્યો છે. આગામી દિવસોમાં આ ગરમી હજુ પણ વધશે. ગરમીથી બચવા માટે લીંબુ સંજીવનીનું કામ કરે છે. આ માટે લોકો સિકંજી અને લીંબુ શરબત વધારે પીવાનું પસંદ કરે છે. પરંતુ ગરમી વધવાની સાથે લીંબુનાં ભાવોમાં પણ ચાર ગણો વધારો થયો છે. ગરમીને લીધે લીંબુની માંગ વધી છે અને સામે સપ્લાય ઘટી છે. ગુજરાતમાં લીંબુની વાડી નહીવત હોવાના કારણે સપ્લાય ચેનમાં સમસ્યા થાય છે.
માર્ચ મહિનાની શરૂઆત:માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ માર્ચ મહિનાના ત્રીજા દિવસે જ પારો સુરતમાં 39.6 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આવનાર દિવસોમાં ભીષણ ગરમી પડે તેવી સંભાવનાઓ છે. આવી પરિસ્થિતિમાં ગરમીથી બચવા માટે તેમજ ઠંડક મેળવવા માટે લીંબુનો વપરાશ સૌથી વધુ કરતા હોય છે. પરંતુ જ્યારથી ગરમીની શરૂઆત થઈ છે. ત્યારથી લીંબુના ભાવમાં પણ ત્રણથી ચાર ગણો વધારો જોવા મળી રહ્યો છે. હાલ સુરતના બજારમાં લીંબુ 120 થી લઇ 150 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે. અનુમાન છે કે જ્યારે ગરમી વધશે.આવનાર દિવસોમાં જ્યારે રમઝાન માસની શરૂઆત થશે ત્યારે લીંબુના ભાવમાં હજુ વધશે.