- IPS ઉષા રાડા સુરત જિલ્લાના પોલીસ સુપ્રિટેન્ડન્ટ છે
- ઉષા રાડામાં ખાખી વર્દીની અંદર જીવદયા પ્રેમીનો ભાવ પણ જોવા મળે
- બે અગત્યના નિર્ણય ચાર્જ લેતાની સાથે જ લીધા હતા
સુરત : ગુજરાતની મહિલા સિનિયર IPS ઉષા રાડા હાલ સુરત જિલ્લાના પોલીસ સુપ્રિટેન્ડન્ટ છે. જ્યારથી તેઓએ સુરત જિલ્લાનો ચાર્જ લીધો છે ત્યારથી ક્રાઇમ પર લગામ લાગી છે. જિલ્લામાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બનાવી રાખવાની સાથોસાથ તેઓ પોતાના જિલ્લામાં રહેનાર લોકોની પણ ખૂબ જ કાળજી રાખે છે. આ જ કારણ છે કે તેઓએ બે અગત્યના નિર્ણય ચાર્જ લેતાની સાથે જ લીધા હતા. લોકોને આત્મહત્યા કરવાથી રોકી તેમને નવું જીવનદાન આપવાનો નિર્ણય. જે અંગે ઉષા રાડાએ ETV Bharatને જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં ઘણા બધા લોકોને આત્મહત્યાનો વિચાર આવે છે, આવા લોકો કોઇપણ ખોટું પગલું ન ભરે તે માટે અમે દરેક મહત્વની જગ્યાએ બોર્ડ લગાવીને પોલીસ નંબર આપ્યા હતા. જેમાં ઉચ્ચ અધિકારીઓના નંબર પણ સામેલ હતા. જેથી અમે તેમનું કાઉન્સિલિંગ કરીને તેમને ફરીથી આવી પરિસ્થિતિમાં આત્મહત્યા ન કરવા માટે સુજાવ આપી શકીએ અને ઘણા બધા કેસોમાં અમે સફળ પણ રહ્યા છીએ.
અંતરિયાળ વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝનની મુલાકાત
IPS ઉષા રાડાએ જણાવ્યું કે, જિલ્લાના સિનિયર સીટીઝનો માટે પણ એક અનોખી પહેલ કરવામાં આવી છે. પોલીસ મહેકમના દરેક પોલીસકર્મી મહિનાના એક દિવસના એક કલાક સિનિયર સીટીઝન માટે કાઢે. જેના કારણે સિનિયર સિટીઝનોને ઘણો લાભ થયો છે. અમે અંતરિયાળ વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝનના પણ ઘરે પણ ગયા છીએ. તેમના રહેવા અને તેમની મેડિકલ ટ્રીટમેન્ટ માટેની પણ અમે ચિંતા કરતા હોઈએ છીએ.
ગાય અને વાછરડાની દેખરેખ તેઓ પરિવારના સભ્યોની જેમ કરે છે
પોલીસ તેમના સખ્ત સ્વભાવ અને અનુશાસન માટે જાણીતી છે. પરંતુ આ શબ્દો પાછળ પણ જીવદયા પ્રેમીનો ભાવ ખાખી વર્દીની અંદર જોવા મળે છે. તેઓ પોતાના નિવાસસ્થાને ગૌશાળાનું નિર્માણ કર્યું છે. જેમાં ગીર ગાય અને વાછરડાની દેખરેખ પરિવારના સભ્યોની જેમ કરે છે. તેઓએ ETV Bharatના માધ્યમથી અપીલ કરી છે કે, જે લોકો ફાર્મ હાઉસ ધરાવે છે તેઓ એક તરછોડેલી ગાયને ત્યાં રાખે જેથી એક દિવસ શહેરમાં પાંજરાપોળની જરૂર પડે નહીં.