પલસાણા તાલુકાની 400થી પણ વધુ મિલો બંધ થઈ જવા પામ છે. ઘણી મિલોમાં તો કારીગરોને બે મહિનાનો પગાર પણ ન મળ્યો હોવાની બુમ ઉઠી છે. મિલ માલિકો તેમજ કડોદરા પલસાણા મિલના એસોસિએશન દ્વારા બહાર આવી અહીં રહેતા દરેક કારીગરોને દર અઠવાડિયે ખર્ચ સ્વરૂપે મિનિમમ 2000 રૂપિયા પણ આપવામાં આવે તેવી માંગ કારીગરો કરી રહ્યા છે.
પલસાણામાં કામદારોની હાલત કફોડી - કોરોનાવઈરસ
સુરત જિલ્લાના પલસાણા તાલુકાની 400 જેટલી મિલોમાં કામ કરતા કારીગરોને હવે પૈસાની અછત વર્તાતા મિલ માલિકો દ્વારા દર અઠવાડિયે રાશન પાણી જેવા ખર્ચ માટે પૈસા આપે તેવી માંગ કારીગરોમાં ઉઠી છે. મંગળવારે કેટલાક કારીગરો પાસે જમવાના પણ પૈસા ન હોવાનું બહાર આવ્યું છે.
સરકાર અને રાજકારણના લાડકા થવા માટે તેમને દરવર્ષે લાખો કરોડો રૂપિયા ચૂંટણીફંડ આપતા મિલ માલિકો જે કારીગરોના લીધે તેમની મિલો આજે ચાલી રહી છે તેમને મદદ કરવા આગળ આવતા નથી. આજે મિલ તેમજ બાંધકામ ક્ષેત્રે કામ કરતા મજૂરોની હાલત કફોડી બની છે. માટે જિલ્લા કલેક્ટરથી લઇ સ્થાનિક પલસાણા મામલતદાર અને પ્રાંત અધિકારી આ સમસ્યાને સમજે અને એના ઉપર વિચાર કરી કારીગરોને બે ટાઈમ ભોજન મળે તેવી વ્યવસ્થાનું આયોજન કરે એ જરૂરી છે.
હાલ તો આજે ગામના તેમજ કેટલીક સેવાકીય સંસ્થાઓ દ્વારા રોડ ઉપર ચાલતા મજૂરો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યાં આવા હજારો મજૂરો પણ આજે જમવા માટે ધસારો કરી રહ્યા છે, ત્યારે દરેક મિલ માલિકો કારીગરોના બાકી નીકળતા પગારના પૈસા સાથે એડવાન્સ પૈસાની પણ વ્યવસ્થા કરે એ જરૂરી છે.