મહત્વનું છે કે, રામગોપાલે સુરત કોર્ટમાં 164 મુજબનું નિવેદન આપ્યું છે અને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, ખટોદરા પોલીસ મથકના કુલદીપસિંહ સોલંકીની પણ સમગ્ર કેસમાં ભૂંડી ભૂમિકા છે. એટલું જ નહીં ડી-સ્ટાફના અન્ય બે પોલીસ કર્મચારીઓના અમાનવીય વ્યહાર અંગે પણ તેમણે સમગ્ર હકીકત જણાવી છે.
સમગ્ર રાજ્યને હચમચાવનાર સુરત ખટોદરા કસ્ટડીયલ ડેથ મામલમાં જેલમાં બંધ રામગોપાલ પાંડેને ગુજરાત હાઇકોર્ટમાંથી જામીન મળ્યા છે. રામગોપાલ પાંડે ખટોદરા કસ્ટડીયલ ડેથમાં મૃત્યુ પામેલ ઓમ પ્રકાશ પાંડેનો ભાઈ છે અને સમગ્ર કેસમાં ફરિયાદી તરીકે છે. છેલ્લા એક માસથી ઘરફોડ ચોરીના આરોપસર રામગોપાલ પાંડે સુરતની લાજપોર જેલમાં બંધ હતો. જો કે, બાદમાં કસ્ટડીયલ ડેથના ત્રણ જેટલા આરોપીઓ સામેથી હાજર થયા હતા અને લાજપોર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જ્યાં આરોપી રામગોપાલ પાંડેના જીવને જોખમ હોવાની અરજીના આધારે તેને ભરૂચ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. જેલમાં બંધ રામગોપાલ પાંડે એ જામીન માટે ગુજરાત નામદાર હાઇકોર્ટમાં અરજી કરી હતી અને તેની જામીન અરજી મંજુર થતા જેલમુક્ત થયો હતો.
જેલમાંથી મુક્ત થતા રામગોપાલ પાંડેએ ખટોદરા પોલીસના વરવા ચહેરાનો પણ ચિતાર આપ્યો છે. પાંડેએ મીડિયા સાથેની વાતચીતમાં મોટો ઘટસ્ફોટ કર્યો છે કે, ખટોદરા કસ્ટડીયલ ડેથ મામલામાં ડી-સ્ટાફના શૈલેષ અને રાજેશ નામના પોલીસ કર્મચારીઓ પર સંડોવણીનો આરોપ મૂક્યો છે. પોતાના ભાઈ ઓમ પ્રકાશને ગામથી આવ્યાને એક જ દિવસ થયો હતો ત્યાં ખટોદરા પોલીસના કર્મચારીઓએ ખોટી રીતે અટકાયત કરી હતી. જ્યાં બાદમાં પોતાને પણ પોલીસ મથકે લઇ આવી માર માર્યો હતો.