સુરત:ગત તારીખ 8 મી સપ્ટેમ્બરના રોજ કડોદરાના ક્રિષ્નાનગરમાં રહેતા 12 વર્ષીય શિવમનું અપહરણ કરી અપહરણકર્તા 15 લાખની ખંડણી માંગી હતી. આ અંગે શિવમના પિતાએ કડોદરા જી.આઈ.સી.સી.પોલીસને જાણ કરી હતી. આ ઘટનામાં ક્રેડિટ લેવાના ચક્કરમાં સ્થાનિક પોલીસની બેદરકારી છતી થઈ હતી. સ્થાનિક પોલીસે એક આરોપી ઉમંગને પકડી પૂછપરછ કરતા બાળકની હત્યા કરી દેવામાં આવી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.
પોલીસ સામે લોકોમાં રોષ:બાળકનો મૃતદેહ ઉંભેળ ગામની સીમમાંથી મળી આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં સ્થાનિક પોલીસની ઢીલી તપાસને કારણે સ્થાનિકોમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કરી પોલીસની બેદરકારીને કારણે બાળકે જીવ ગુમાવ્યો હોવાના આરોપ પણ થયા હતા. ઘટનાના પડઘા ડીજી કોન્ફરન્સમાં પણ પડ્યા હતા. જેને કારણે રેન્જ આઈ.જી.એ પણ કડોદરા પોલીસ મથક અને મરનારના પરિવારજનોની મુલાકાત લીધી હતી.
જે.એ.બારોટને સોંપવામાં આવ્યો ચાર્જ: આ ઘટનામાં રેન્જ આઈજીએ પોલીસ અધિકારી અને કર્મચારીઓની પણ પૂછપરછ કર્યા બાદ આજે કડોદરા જી.આઈ.ડી.સી. ના પી.આઈ. આર.એસ.પટેલને સસ્પેન્ડ કરવાનો આદેશ કરતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. તેમની જગ્યાએ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર દ્વારા હાલ એએચટ યુ વિભાગમાં ફરજ બજાવતા પી આઈ જે.એ. બારોટને કડોદરા પોલીસ મથકનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે એચટીયુનો વધારાનો હવાલો મહિલા પોલીસ મથકના સી.બી.ચૌહાણને સોંપવામાં આવ્યો છે.
સુરતનો એવો જ બીજો બનાવ: ડભોઇ શહેરના એક સામાન્ય પરિવારની ત્રણ વર્ષીય દીકરી ગુમ થઈ હતી. પરિવાર દ્વારા પોલીસમાં આ અંગે જાણ કરવામાં આવી હતી. જોકે, ડભોઇ પોલીસે નગરમાંથી ગુમ થયેલ દીકરીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી હતી. ઉપરાંત આ ગુનાનો ભેદ કલાકોમાં ઉકેલી અપહરણ કરનાર આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો. પોલીસની આ કામગીરીને સૌ કોઈ બિરદાવી રહ્યા છે.
- Surat Murder: પ્રેમીએ પ્રેમિકાની જાહેરમાં જ ઠંડા કલેજે કરી હત્યા, કારણ જાણીને તમે ચોંકી જશો
- Surat News: સુરતમાં 25 વર્ષીય યુવક ઉપર લોખંડનો ટેકો પડતા મોત, પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો