બારડોલી:સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલી પાર્સલ અને મનીટ્રાન્સફરની દુકાનમાંથી બાળકો સાથે આવેલી 6 જેટલી મહિલાઓ 9.16 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને રફુચક્કર થઈ ગઈ હતી. આ ઘટનાની તપાસ કરી રહેલી બારડોલી ટાઉન પોલીસે કડોદરા પોલીસ સાથે મળી તમામ 6 મહિલાઓને ઝડપી પાડી હતી.
ભીખ માંગવાના બહાને ચોરી: નવસારીના જલાલપોર વિસ્તારમાં આવેલી હરિનગર સોસાયટીમાં રહેતા ચેતનભાઈ મનસુખભાઇ શાહ બારડોલીના સ્ટેશન રોડ પર આવેલ ગાયત્રી ચેમ્બર્સમાં વિદેશ પાર્સલ અને મનીટ્રાન્સફરની દુકાન ચલાવે છે. બપોરના સમયે તેમની દુકાનમાં 6 જેટલી મહિલાઓ નાના બાળકો સાથે ઘુસી ગઈ હતી અને ખાવાનું તેમજ કપડાંની માગણી કરી હતી. આથી ચેતને તેને બહાર કાઢવાનો પ્રયાસ કરતા 6 પૈકીની એક મહિલાએ ચેતનભાઈની નજર ચૂકવી દુકાનના કાઉન્ટર પર મુકેલી લેપટોપ બેગ કે જેમાં રૂપિયા 9.16લાખ મુકેલ હતા તે અને કેટલાક કપડાં લઈને ભાગી ગઈ હતી.
6 મહિલાની ધરપકડ: તમામ મહિલાઓ દોડતી સ્ટેશન રોડ તરફ ભાગી ગયા બાદ પલાયન થઈ જતા તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અંતે ચેતનભાઈએ બારડોલી પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે નાકાબંધી કરવાનો મેસેજ કર્યો હતો. દરમ્યાન બારડોલી ટાઉન પોલીસ અને કડોદરા જીઆઇડીસી પોલીસે સંકલનમાં રહી આ મહિલાઓને કડોદરા નજીક રિક્ષામાંથી પકડી લેવામાં આવી હતી. પોલીસ પૂછપરછ કરતાં મહિલાઓએ બારડોલીના મની ટ્રાન્સફરની ઓફિસમાંથી રૂપિયા ભરેલી બેગ અને કપડાંની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.