સુરત : રાજ્યભરમાં જુનિયર ક્લાર્ક પેપર કાંડ મામલે સુરત કલેકટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું વિદ્યાર્થી સંગઠન ગણવામાં આવતું એવું NSUI મળીને વિરોધ કરતા નજરે જોવા મળ્યા હતા. બંને પાર્ટીઓ સાથે મળીને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા કે, જુતે મારો સાલો કો શિક્ષણ કે દલાલ કો, હાય રે ભાજપ હાય હાય, ચોર ભાજપ હાય હાય, કડવી ભાજપ હાય હાય, એવા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન દર્શાવ્યો હતો.
કથરીયાના ભાજપ પર પ્રહાર : સુરત આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ અલ્પેશ કથરીયાએ જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી વારંવાર પેપરો ફૂટવા, પરીક્ષાઓ રદ થવી અને દર વખતે નાના નાના ગુનેગારોને પકડીને રૂટિન કામની જેમ પૂરુ કરી દેવુ એ શું દર્શાવે છે. ગુજરાતની જનતાએ વિશ્વાસ આપતી ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકીને જે જંગી બહુમતી સરકારને આપી એ ભરોસા પર આપની સરકાર ખરી નથી ઉતરી.
શું શું માંગણી કરી : વધુમાં કથરીયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ગુજરાતની આપની પાસે માંગણી છે કે, અત્યાર સુધી ફૂટેલા તમામ પેપરો માટે કેટલા અને કોણ કોણ લોકો પકડાયા એની વિગતો જનતા સામે મૂકવામાં આવે. હાલના બનાવ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના વડપણ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવે. અત્યાર સુધીના તમામ પેપર ફૂટવાના કેસો એક જ કોર્ટમાં લાવી રોજ-રોજના ધોરણે સુનાવણી કરી કેસો સમયમર્યાદામાં પુરા કરવામાં આવે. હાલની પરીક્ષાના ઉમેદવારોને થયેલા નુકશાન માટે દરેકને રૂપિયા 50,000નું વળતર આપવામાં આવે. સરકારી પ્રેસ હોવા છતાં કોના ઈશારે પેપરો ખાનગી પ્રેસમાં છપાવવામાં આવે છે તેની પણ તપાસ કરવામાં આવે. વિધાનસભાના આગામી સત્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપરો ફૂટવાના સંદર્ભમાં આકરી સજાની જોગવાઈઓ કરતો કાયદો લાવવામાં આવે જેથી રોજે રોજ પેપર ફૂટવાની દૂષણને નિવારી શકાય.