સુરત જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવતો કિસ્સો બારડોલીમાં બહાર આવ્યો હતો. બારડોલીના ધારાસભ્ય અને રાજ્યસરકારના કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમાર પાસે પૈસા પડાવવાનો મામલો બહાર આવ્યો છે. બારડોલીની એક મહિલાએ આર્થિક તંગીમાં આવી લેટર તરકીબ વિચારી હતી.
લેટરો ફરતા કરી ઈશ્વર પરમારને બદનામ કરી પૈસા પડાવવા તેમજ પરિવારને જાનથી મારવા સુધીની ધમકી આપવામાં આવતી હતી. દિવસોથી અનેક જગ્યાએ લેટરો મોકલાતા વાત ઈશ્વર પરમારના કાને પહોંચી હતી. ગંભીરતા દાખવી પ્રધાન ઈશ્વર પરમાર દ્વારા બારડોલી DYSPને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.
મહિલા દ્વારા કેબિનેટ પ્રધાન ઇશ્વર પરમારની બદનામીનું કાવતરાનો પર્દાફાશ મહિલા દ્વારા પ્રધાન ઈશ્વર પરમારને હેરાન કરવા બારડોલીના અનેક આગેવાનો અને તેમના મિત્ર વર્તુળ સુધી બંધ કવરમાં લેટરો ફરતા કર્યા હતા. ગત રોજ આખો મામલો બહાર આવ્યો હતો.
રવિવારે ઈશ્વર પરમારના કાર્યાલયના મદદનીશ દ્વારા બારડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પ્રધાનનું નામ બહાર આવતા પોલીસ પણ સફાળી બની હતી. મહિલા વિરૂદ્ધ બારડોલી પોલીસમાં ગુનો પણ દાખલ કરાયો હતો.
ઘટના ક્રમ મોડી સાંજથી ચાલતો હતો. ખાનગી રાહે પોલીસની તપાસ દરમિયાન બારડોલી નગરના પોષ વિસ્તારના એક CCTV ફૂટેજ પણ હાથ લાગ્યા હતા. જેમાં મહિલા સ્પષ્ટ પણે કેમેરામાં કેદ થવા પામી હતી. હાલ જે વિગતો મળી રહી છે તે મુજબ, CCTVને આધારે મહિલાની અટકાયત પણ કરી લીધી છે.
મહિલાની હાલ પ્રાથમિક પૂછપરછ દરમિયાન આર્થિક રીતે પૈસાની તંગી હોય અને પ્રધાનને ખોટી રીતે બદનામ કરી પૈસા પડાવવા કૃત્ય કર્યાનું જણાવ્યું હતું. તેમજ તેને ગુનાખોરી સમગ્ર તરકીબની ટીવી સિરિયલમાં જોઈને યુક્તિ સૂઝી હોવાનું પણ બહાર આવ્યું હતું.
હાલ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી આરંભી છે. જો કે આખી ઘટનામાં ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાનનું નામ બહાર આવતા સુરત જિલ્લા સહિત રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. હવે જોવું એ રહેશે કે, પોલીસની તપાસમાં વધુ શું વિગતો નીકળશે.